બાળકને ચીકુ ખાવાથી કોલેરા થયો છે ડેપ્યુટી મ્યુનિ.કમિશનરનો ખતરનાક ખુલાસો

ચોમાસામાં પાણી ભરાશે તો “લવ લેટર” માટે તૈયાર રહેજો, પૂર્વ ઝોનનાં ડેપ્યુટી કમિશનરને મ્યુનિ.કમિશનરની ચેતવણી
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાને નાની બાળકીને ફાડી ખાધી હોવાની ઘટના બાદ મ્યુનિ.કમિશનરે આ અંગે નવી માર્ગદર્શિકા તૈયાર કરવા જવાબદાર અધિકારીને સૂચના આપી છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં વરસાદી પાણી ભરાશે તો ડેપ્યુટી કમિશનરને “લવ લેટર” આપવાની ગર્ભીત ચેતવણી પણ દર સપ્તાહે મળતી રીવ્યુ બેઠકમાં આપી હતી.
આ બેઠકમાં ડેપ્યુટી કમિશનરે (હેલ્થ) ચીકુ ખાવાથી કોલેરા થયો હોવાનું જણાવતાં કમિશનર પણ અચંબામાં પડી ગયા હતા. અમદાવાદ મ્યુનિ.કમિશનરના અધ્યક્ષ પદે દર સપ્તાહે મળતી રીવ્યુ બેઠકમાં હાથીજણ વિસ્તારમાં શ્વાનના કારણે થયેલ દુર્ઘટના અંગે લાંબી ચર્ચા થઈ હતી. કમિશનરે આ અંગે નવી માર્ગદર્શિકા અને નિયમો પંદર દિવસમાં તૈયાર કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત શ્વાનના માલિકના ઘરે ડ્રેનેજ, પાણી અને લાઈટ સહિતના જોડાણો કાપી નાંખવા પણ આદેશ આપ્યા હતા.
બેઠકમાં પૂર્વ ઝોનમાં છેલ્લાં બે વર્ષ દરમ્યાન ડેપ્યુટી કમિશનરે સૂચવેલ કામ પૈકી કેટલા કામ થયા તેનો હિસાબ માંગ્યો હતો. પરંતુ ડેપ્યુટી કમિશનર યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. તેથી કમિશનરે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તમે કામ કરો કે ન કરો મને કોઈ ફરક પડવાનો નથી. પરંતુ ચોમાસામાં તમારા વિસ્તારમાં પાણી ભરાશે તો “લવ લેટર” (શો-કોઝ નોટીસ) મોકલી આપીશ.
આ ઉપરાંત અર્બન યર દરમિયાન પૂર્વ ઝોનમાં શું કામ કરવાનાં છે તેનો જવાબ પણ ડેપ્યુટી કમિશનર આપી શક્યા નહતા. અહીં નોંધનીય બાબત એ છે કે, મીટીંગની શરૂઆતમાં જ કમિશનરે તમામ અધિકારીઓને જણાવ્યું હતું કે, વોર્ડદીઠ જે વેજીટેબલ માર્કેટ તૈયાર કરવામાં આવ્યાં છે તેને અર્બન યર કામ તરીકે જાહેર કરવાનાં છે.
મ્યુનિ.કમિશનરે સ્ટ્રીટ લાઈટ વિભાગના એડી.ઈજનેરને પણ આડેહાથે લીધા હતા તથા સ્ટ્રીટ લાઈટ બંધ કરવાની ફરિયાદ ૧૦૭ ટકા પર કેવી રીતે પહોંચી ગઈ તેનો જવાબ પણ માંગ્યો હતો. આ ઉપરાંત એડી.ઈજનેરને સ્પષ્ટ જણાવ્યું હતું કે, નાની-નાની ફાઈલો લઈને સહી કરાવા આવો છો તેના કરતાં જે ટેન્ડર ઘણાં સમયથી મંજૂર કરવામાં આવ્યું નથી તે વિચાર કરો.
તદુપરાંત આવેશમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, “અહીં તમને કોણે રાખ્યાં છે ?”. શહેરના દક્ષિણ ઝોનમાં કોલેરાના કેસ વધી રહ્યાં છે તે અંગેની ચર્ચા દરમિયાન ઝોનના ડેપ્યુટી કમિશનર કે જેઓ હેલ્થ વિભાગનો પણ હવાલો સંભાળે છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જે બાળકને કોલેરા થયો હતો. તેના ઘરે આસી.હેલ્થ કર્મચારી તપાસ કરવા ગયા હતા.
ત્યારે તેની મમ્મીએ એમ જણાવ્યું હતું કે બાળકે ચીકુ ખાધું હોવાથી કોલેરા થયો છે. ડેપ્યુટી મ્યુનિ.કમિશનર કક્ષાના અધિકારીના આ વિચિત્ર ખુલાસો સાંભળી એક સમયે કમિશનર પણ હેબતાઈ ગયા તથા તેમણે ફરીથી ડેપ્યુટી કમિશનરને પૂછ્યું હતું કે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોલેરા કયા કારણોસર થાય છે. આ ઉપરાંત જે કર્મચારી પેશન્ટના ઘરે તપાસ કરવા ગયા હતા તેની સામે કાર્યવાહી કરવા પણ કમિશનરે આદેશ આપ્યા હતા.