Western Times News

Gujarati News

રેપ અને પોક્સોના ગુનાના આરોપીને એટ્રોસિટીના કાયદામાં પણ દોષિત ઠરાવી સજા ફટકારતો આદેશ રદ

એટ્રોસિટીના કાયદાનો ગુનો આપમેળે ગણાય નહીંઃ હાઇકોર્ટ

(એજન્સી)અમદાવાદ, એટ્રોસિટીના કાયદાની સ્પષ્ટતા કરી આપતો અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની ખંડપીઠે રેપ અને પોક્સોના ગુનાના આરોપીને એટ્રોસિટીના કાયદામાં પણ દોષિત ઠરાવી સજા ફટકારતો આદેશ રદબાતલ ઠરાવતાં એવી સ્પષ્ટતા કરી છે

કે,‘આરોપી વિરૂદ્ધ આઈપીસી હેઠળનો ગુનો સાબિત થતો હોય તેવા કિસ્સામાં એટ્રોસિટીના કાયદાનો ગુનો આપમેળે ગણીને તેને સજા કરી શકાય નહીં. એટ્રોસિટીના કાયદામાં થયેલા સંશોધન મુજબ પીડિત વ્યક્તિ એસસી એસટી વર્ગની હોવાનું આરોપી જાણતો હોય અને એ ચોક્કસ વર્ગનો હોવાથી તેની વિરૂદ્ધ ગુનો આચરાયો હોવાના કિસ્સામાં જ એટ્રોસિટીના કાયદાની જોગવાઇ લાગૂ કરી શકાય.

એટલું જ નહીં એટ્રોસિટીના કાયદા હેઠળનો ગુનો બનતો હોવાના પુરાવાનું મૂલ્યાંકન પણ કરવું પડે. જોકે પ્રસ્તુત કેસમાં આરોપીએ સગીરા સાથે રેપ કર્યાે હતો અને તેના માટેની સજા એ ભોગવી ચુક્યો છે. તેવા તબક્કે તેને એટ્રોસિટી હેઠળ પણ દોષિત ગણી શકાય નહીં.’હાઇકોર્ટની ખંડપીઠે ઠરાવ્યું છે કે,‘આ કેસમાં એસસી એસટી (એટ્રોસિટી) એક્ટની કલમ ૩(ર) (વી) હેઠળ આરોપીને સજા કરવામાં આવી હતી.

આરોપી તરફથી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે કે રેપ અને પોક્સોના ગુનામાં તેને થયેલી સજાને એ પડકારતો નથી અને એના ગુણદોષમાં પણ જતો નથી. પરંતુ તેની વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો બનતો નથી અને તેમ છતાંય તેને ટ્રાયલ કોર્ટે દોષિત ઠરાવી સજા કરી હતી.

આ કોર્ટ એવું માને છે કે ટ્રાયલ કોર્ટ એટ્રોસિટીની જોગવાઇઓ મુજબના પુરાવાનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે. શા માટે આરોપીને એટ્રોસિટીના ગુનામાં સજા કરવામાં આવી, તેની સ્પષ્ટતા પણ ટ્રાયલ કોર્ટે કરી નથી.

૧૯.૦૧.૨૦૧૩ના રોજ આરોપી દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો અને એટ્રોસિટી એક્ટની કલમ ૩(ર)(વી)માં વર્ષ ૨૦૧૬માં સંશોધન કરવામાં આવ્યું હતું. જે સંશોધનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પીડિત વ્યક્તિ એસસી એસટી વર્ગનો સભ્ય હોય…તેની વિરૂદ્ધ એટ્રોસિટી આચરાઇ હોય… તે વ્યક્તિ એસસી એસટી હોવાનું આરોપી જાણતો હોય… તેવા કિસ્સામાં એટ્રોસિટીની જોગવાઇ હેઠળનો ગુનો લાગુ પડે.

પરંતુ પ્રસ્તુત કેસમાં એવું ક્યાંય પ્રસ્થાપિત થયું નથી કે આરોપી જાણતો હતો કે પીડિતા એસસી એસટી વર્ગમાંથી આવે છે અને એ વર્ગની હોવાના કારણે જ તેણે તેની સાથે રેપ ગુજાર્યાે હોય. ફરિયાદી પક્ષે આ તમામ પાસાંઓ પુરાવાના આધારે સાબિત કરવા પડે.’ આ મામલે ભરૂચના પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

આરોપી સ્કૂલ વાન ચાલક હતો અને પીડિતા વિદ્યાર્થીની હતી. જેનો લાભ લઇને તેને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેનો ગુનો સાબિત થતા આરોપીને ટ્રાયલ કોર્ટે ૧૦ વર્ષની સજા કરી હતી. આરોપી ૧૧ વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને તેણે માત્ર એટ્રોસિટી હેઠળ તેને ફટકારેલી સજા પડકારી હતી. જેને હાઇકોર્ટે રદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.