મેટ્રો કોર્ટમાં ઉનાળુ વેકેશનમાં પક્ષકારને વોરંટ ન કાઢવા માંગ

(એજન્સી)અમદાવાદ, હાઈકોર્ટ અને સીટી સીવીલ એન્ડ સેશન્સ કોર્ટમાં ઉનાળુ વેકેશન આપવામાં આવે છે. જયારે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટને અગાઉ ઉનાળુ વેકેશન આપવામાં આવતું હતું. પણ ઉનાળાની ગરમીમાં રદ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ૪પ ડીગ્રી કાળઝાળ ગરમીમાં મેટ્રો કોર્ટમાં એસીની કોઈ સુવિધા નથી અને રોજબરોજ મેટ્રો કોર્ટમાં ૧૦થી૧પ હજારથી વધુ વકીલો સહીત પક્ષકારોની અવરજવર રહેતી હોય છે. અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખી વકીલો અને પક્ષકારોને હાજર રહેવું મુશ્કેલ છે. આથી મેટ્રો બારે ૧૪ મે થી ૬ જુન સુધી વકીલની ગેરહાજરી દરગુજર કરી પક્ષકારોને વોરંટ નહી કાઢવા માગ કરી છે.
રાજયના સૌથી મોટા અમદાવાદા ક્રિમીનલ કોર્ટ બાર એસોસીએશના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, ગરમીમાં મેટ્રો કોર્ટમાં ૭પ૦૦ વકીલો વ્યવસાય માટે આવે છે. તેમજ પક્ષકારો સહીત ૧૦થી૧પ હજાર લોકની અવરજવર રહે છે. ૪પ ડીગ્રી ગરમીમાં વકીલો અને પક્ષકારોની નિયમીત કોર્ટમાં હાજર રહેવું મુશ્કેલ છે. મેટ્રો કોર્ટમાં ૬ લીફટ છે.
જેમાં રોજબરોજ બધી લીફટ ચાલુ હોતી નથી. જેના કારણે વકીલો અને પક્ષકારોને સમયસર કોર્ટમાં પહોચવું મુશ્કેલ બને છે. અસહ્ય ગરમીના કારણે સીનીયર સીટીઝન પક્ષકારોના અને વકીલોને બીપી વધવાના લુ લાગવાના તેમ જ ચકકર આવવાના બનાવો ચાલુ કોર્ટે બને છે.