Western Times News

Gujarati News

ઊંઝાના ડાભી ગામના અઢાર યુવાનો ભારતીય સેનામાં સેવારત

ઊંઝા, ઊંઝા તાલુકાના નાનકડા ડાભી ગામના ૧૮ યુવાનો ભારતીય સેનામાં વિવિધ સ્થળે સેવા આપી રહ્યા છે. જે પૈકી ૧૭ હાલ દેશમાં ચાલી રહેલા ઓપરેશન સિંદૂરના સાક્ષી બન્યા છે. જેમના પરિવારજનો સહિત ગ્રામજનોએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

ઊંઝા તાલુકાના ડાભી ગામની વસતી અંદાજીત પાંચ હજાર જેટલી છે. ગામના વિવિધ સમાજના ૧૮ યુવાનો ભારતીય સેનામાં દેશના વિવિધ સ્થળોએ ફરજ બજાવે છે અને ગામમાં ૧૧ જેટલા નિવૃત આર્મીમેન છે.

યુવાનોને દોડવા અને તાલીમ માટે ગામના જાગૃત નાગરિકો દ્વારા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપ હાલ એક ઘરમાંથી ત્રણ ત્રણ જણા દેશની સેવામાં જોડાયા છે.

હાલ દેશમાં ઓપરેશન સિંદૂર ચાલી રહ્યુ છે. જેના સાક્ષી આ ગામના ૧૭ યુવાનો બન્યા હોઈ ગ્રામજનો ગૌરવ અનુભવી રહ્યા છે. ગામના ભરતજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા ગામના ૧૮ જેટલા યુવકો સેનામાં ફરજ બજાવે છે. ગામમાં ૧૧ જેટલા નિવૃત આર્મીમેન છે તેઓ પણ તૈયાર છે કે, જો અમારી જરૂર પડે અને બોલવામાં આવશે તો અને જઈશું.

ગામના યુવાનો દેશ સેવા કરી રહ્યા છે તેનો સૌને ગર્વ છે. જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા જવાન સિદ્ધરાજસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, હું રજા પર ઘરે આવ્યો છું. જો કે, ત્રણ દિવસથી રજાઓ પૂર્ણ કરી ત્યાં પહોંચી જવાનો મેસજ આવતો હતો. પરંતુ એરપોર્ટ બંધ હોઇ જઈ શક્યો નથી અને હવે ૧૬ તારીખે જવાનું છે.

તેમના પિતા રમણજી ઠાકોરે જણાવ્યું હતું કે, મારો પુત્ર આર્મીમાં ફરજ બજાવે છે, જે દોઢ માસની રજા લઈને ઘરે આવ્યો હતો, જો કે, ૧૦ દિવસ જ થયા છે અને તેને પરત બોલાવી લેવાયો છે.ગામનાં રમીલાબેને જણાવ્યું હતું કે, મારા બે પુત્રો અને એક પુત્રવધુ આર્મીમાં દેશની સેવા કરી રહ્યા છે. જે બદલ ગૌરવ અનુભવીએ છીએ. એક પુત્ર પશ્ચિમ બંગાળ અને બીજો જમ્મુ-કાશ્મીર તેમજ પુત્રવધુ ત્રિપુરા ખાતે ફરજ બજાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.