USAના પ્રેસિડન્ટ ટ્રમ્પે પલટી મારીઃ “મેં યુદ્ધવિરામ નથી કરાવ્યું”

બંને દેશો વચ્ચે અણુયુદ્ધ થતાં અટકાવ્યુંઃ ટ્રમ્પ
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે પાંચ દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેના પોતાના નિવેદનથી યુ-ટર્ન માર્યો છે. તેમણે કહ્યું કે મેં બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી નથી, પરંતુ મેં મદદ કરી છે.
ટ્રમ્પે કહ્યું, ‘હું એમ નથી કહેતો કે મેં આ કર્યું, પરંતુ એ ચોક્કસ છે કે મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બન્યું તે સમાધાન કરવામાં મદદ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ વધુ ભયાનક બની શકી હોત. બંને દેશોએ અચાનક મિસાઇલો છોડવાનું શરૂ કર્યું અને સમાધાન કરી લીધું.’
ટ્રમ્પે ૧૦ મેના રોજ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી વાટાઘાટો પછી, ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે. બંને દેશોને શાણપણ બતાવવા બદલ અભિનંદન.’
તેમણે વધુમાં કહ્યું, તેઓ (ભારત-પાકિસ્તાન) છેલ્લા ૧૦૦૦ વર્ષથી લડી રહ્યા છે. મેં કહ્યું કે હું સમાધાન કરી શકું છું. અને મેં સમાધાન કરાવ્યું. મેં કહ્યું કે મને સમાધાન કરવા દો. ચાલો બધા એકસાથે આવીએ. તમે હજાર વર્ષથી લડી રહ્યા છો અને ક્યાં સુધી લડતા રહેશો? મને કરાર વિશે વિશ્વાસ નહોતો. આ ખૂબ જ મુશ્કેલ હતું. તેઓ ઘણા સમયથી લડી રહ્યા હતા.
આ ખરેખર કાબુ બહાર જવાનું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો છે. મંગળવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ટ્રમ્પે કહ્યું કે મેં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવા માટે મોટેભાગે બિઝનેસનો ઉપયોગ કર્યો. ટ્રમ્પે સાઉદી-અમેરિકા રોકાણ મંચમાં કહ્યું, ‘મેં ભારત અને પાકિસ્તાનને કહ્યું, ચાલો મિત્રો, ચાલો એક ડીલ કરીએ.
કોઈ બિઝનેસ કરીએ. પરમાણુ મિસાઇલોનો વેપાર ન કરો. તેના બદલે જે વસ્તુઓ તમે ખૂબ સુંદર રીતે બનાવો છો તેનો બિઝનેસ કરો.’ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતા અટકાવી દીધું હતું.
તેમણે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં મદદ કરી છે. ટ્રમ્પે કહ્યું, મને ખાતરી છે કે આ યુદ્ધવિરામ કાયમી રહેશે. બંને દેશો પાસે પુષ્કળ પરમાણુ શસ્ત્રો છે, આનાથી વિનાશક પરમાણુ યુદ્ધ થઈ શકે છે. લાખો લોકો માર્યા ગયા હોત.