પાકિસ્તાન સાથેના અમારા સંબંધો અને વ્યવહાર સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે

પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ વાતચીત કરવામાં આવશેઃએસ જયશંકર
(એજન્સી)નવીદિલ્હી, પાકિસ્તાન સાથેના તણાવ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી છે. વિદેશ મંત્રીએ ભારતના વલણને પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે, જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે, તો તે ફક્ત પીઓકે પર જ થશે.
આમાં કોઈ ત્રીજા દેશની દખલગીરીની જરૂર નથી. વિદેશ મંત્રીએ આક્રમક રીતે કહ્યું કે, અમે ફક્ત પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો નાશ કર્યો છે. અમે લક્ષ્યો નક્કી કર્યા હતા, જે અમે પ્રાપ્ત કર્યા છે. ઓપરેશન સિંદૂર અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, શરૂઆતથી જ અમે પાકિસ્તાનને આ સંદેશ આપ્યો હતો કે, અમે આતંકવાદી માળખા પર હુમલો કરવાના છીએ, સેના પર નહીં.
તેમની સેના પાસે બાજુ પર રહેવાનો અને હસ્તક્ષેપ ન કરવાનો વિકલ્પ હતો. તેણે આ સારી સલાહ ન માનવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને તણાવ દરમિયાન ભારતને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો હતો. આ અંગે એસ જયશંકરે કહ્યું કે, ૧૦ મેના રોજ સવારે ભારતની જવાબી કાર્યવાહીમાં તેમને ખૂબ નુકસાન થયું હતું.
સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે, આપણે તેમને કેટલું મોટું નુકસાન કર્યું છે, અને તેમણે આપણને કેટલું ઓછું નુકસાન કર્યું છે. ગોળીબાર કોણ રોકવા માંગતું હતું તે સ્પષ્ટ છે. પાકિસ્તાન સાથેના અમારા સંબંધો અને વ્યવહાર સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. આ વાત વર્ષોથી સંમત છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.
વિદેશ મંત્રીએ કહ્યું કે ,પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે, પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે, જેમને સોંપવાની જરૂર છે અને તેમણે આતંકવાદી માળખાને બંધ કરવા પડશે.