ટ્રમ્પે એપલના ટિમ કૂકને કહ્યું- અમેરિકામાં ઉત્પાદન વધારો, ભારત એનું ફોડી લેશે

ભારતમાં એપલ ફોનનું ઉત્પાદન કરવા સામે ટ્રમ્પનો બળાપો
(એજન્સી) નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દોહામાં એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે એપલ કંપનીને ભારતમાં આઇફોન બનાવવા પર નારાજગી વ્યક્ત કરી છે.
ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું કે ભારતને પોતાના હિતોનું ધ્યાન રાખવા દો. ભારતે અમેરિકી માલ પર શૂન્ય ટેરિફ ઓફર કરી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એપલ ભારતમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના બનાવી રહી છે.
ટ્રમ્પે કહ્યું, મેં ગઈકાલે ટિમ કૂક સાથે વાત કરી હતી. મેં કહ્યું, ટિમ, અમે તમારી સાથે ખૂબ સારો વ્યવહાર કરી રહ્યા છીએ. તમે ઇં૫૦૦ બિલિયનની કંપની બનાવી રહ્યા છો, પરંતુ હવે હું સાંભળી રહ્યો છું કે તમે ભારતમાં ફેક્ટરીઓ બનાવી રહ્યા છો. હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં પ્રોડક્શન કરો.
જો તમે ભારતને મદદ કરવા માંગતા હો, તો તે ઠીક છે, પરંતુ ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે. ત્યાં વેચવું મુશ્કેલ છે. ભારતે અમને એક સોદો આપ્યો છે જેમાં તેઓએ અમારા માલ પર કોઈ ટેરિફ નહીં લાદવાનું વચન આપ્યું છે.
ટ્રમ્પે વધુમાં કહ્યું, અમે તમને વર્ષો સુધી ચીનમાં ફેક્ટરીઓ બનાવતા સહન કર્યું. હવે અમે નથી ઇચ્છતા કે તમે ભારતમાં પ્રોડક્શન કરો. ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે. તેઓ ખૂબ સારું કરી રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે તમે અમેરિકામાં પ્રોડક્શન કરો. ટ્રમ્પના મતે, એપલ હવે અમેરિકામાં ૫૦૦ બિલિયન ડોલરના રોકાણ સાથે ઉત્પાદન વધારશે.
ટ્રમ્પનું આ નિવેદન તેમની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને પ્રતિબિંબિત કરે છે. તેઓ ઇચ્છે છે કે એપલ જેવી મોટી બ્રાન્ડ અમેરિકામાં રોકાણ કરે, જેથી ત્યાં નોકરીઓ વધે. ભારતમાં, એપલ પહેલાથી જ ફોક્સકોન અને ટાટા સાથે મળીને આઇફોનનું ઉત્પાદન કરી રહી છે. ૨૦૨૫ માં ભારતમાં બનેલા ૧૫% આઇફોન અમેરિકા મોકલવામાં આવશે. ટ્રમ્પનું આ નિવેદન ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ માટે પડકાર બની શકે છે.