કરિયાવરમાં રૂ.૧પ લાખના ટ્રેકટર અને થ્રેસરની પુત્રીને પિતાની ભેટ

પ્રતિકાત્મક
પાલનપુર, બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગામે પિતાએ એકની એક દીકરીને લગ્ન પ્રસંગે કરિયાવરમાં ટ્રેકટર, મલ્ટીપર્પઝ થ્રેશર અને સોનાના દોરાની અનોખી ભેટ આપી હતી. ત્રણ વર્ષ અગાઉ વીજ કરંટથી મૃત્યુ પામેલા નાના પુત્રની યાદમાં પૌત્રના હસ્તે ભેટ અપાઈ હતી. જેના થકી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા જમાઈ અને પરિવારને વ્યવસાય પણ ઉભો કરી આપ્યો છે.
બળવંતજી ધારસંગજી ઠાકોર અને વેજાબેને તેમની દીકરી નિરમાના લગ્ન ચેખલા ગામે બળવંતજી બદાજી ઠાકોર અને ભીખીબેનના પુત્ર જયેશજી સાથે કર્યા હતા. જયાં બળવંતજીએ તેમની દીકરીને કરિયાવરમાં રૂ.૧પ લાખના ટ્રેકટર, મલ્ટીપર્પઝ થ્રેશર અને રૂપિયા અઢી લાખનો સોનાના દોરાની ભેટ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સાધનો આપવા પાછળનો આશય એક જ હતો કે મારી દીકરીના સાસરીયા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે તો તેમને આ વ્યવસાયમાં મદદ મળી રહે.