જામનગરમાં જર્જરિત ૧૪૭ ઈમારતોના માલિકોને નોટીસ ફટકારતી મહાપાલિકા

ર૦૦૮થી જોખમી બની ચૂકેલા મનપાના ૧૪૦૪ આવાસોને તોડી પાડવા તંત્રની કવાયત
જામનગર, જામનગર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા દ્વારા પ્રિ-મોન્સુન સર્વે યોજીને જર્જરીત ઈમારતોને નોટીસો આપવાની કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલના દિવસોમાં તંત્રએ રરર જેટલી ઈમારતોને સર્વે કર્યો બાદ ૧૪૭ સ્થળોએ ઈમારોતોને જર્જરીત સ્થિતી સુધારવા નોટીસો આપવામાં આવી છે.
ખાસ કરીને જુના જામનગર વિસ્તારમાં ટીપીઓ, એસ્ટેટ અને ફાયર શાખાની ૬ ટીમો દ્વારા રરર ઈમારતોની સ્થિતીની ચકાસણી કરવામાં આવી છે.
જામનગર મ્યુનિ.કોર્પોરેશનની ટીપીઓ, એસ્ટેટ અને ફાયર શાખાના કર્મચારીઓની બનેલી ૬ ટીમો દ્વારા મે માસમાં જર્જરીત ઈમારતોનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો.
આ સર્વે દરમ્યાન ટીમો દ્વારા કુલ રરર ઈમારતોનો સર્વે કરવામાં આવતા ગત વર્ષે જે ઈમારતો જર્જરીત તરીકે ગણાઈ હતી. તેમાંની ઈમારતોમાં રીપેરીગ સહીતના ફેરફારો થઈ જવા પામ્યા છે. ૧૯ વોર્ડના તમામ વિસ્તારો જેમાં ખાસ કરીને જુના જામનગરના વિસ્તારોમાં જુના મકાનો વિશેષ હોવાથી તંત્રની ટીમો દ્વારા આ વિસ્તારોમાં સર્વે કરતી વેળાએ ખાસ ધ્યાન અપાય છે.
ચાલુ મહીનામાં આવા સર્વે દરમ્યાન ૧૪૭ સ્થળોએ મકાનોના ઈજા, ગેલેરી, અગાસીની પારાપેટ સહીતના ભાગો જર્જરીત થઈને પડે તેવા જણાતા હોવાથી ટીમો દ્વારા આ તમામ સ્થળોના ભોગવટા કરતા લોકોને મકાનોના જર્જરીત હિસ્સાને દુર કરીને સલામત સ્તરે લાવવાની કાર્યવાહી કરીને રીપોર્ટ આપવા નોટીસો આપવામાં આવી છે.
જામનગર શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનની ૧૪૦૪ આવાસ યોજનાના ૧૪૦૪ ફલેટોને ર૦૧૮થી જોખમી ગણીને નોટીસો અપાયા બાદ આ કોલોનીના બે માળના ૧૧૭ ફલેટસ તોડી પાડવામાં આવ્યા છે.
આ જ રીતે હાઉસીગ બોર્ડ સાધના કોલોનીમાં ર૯ બ્લોકસના ૩૪૮ ફલેટસ તોડી પાડવામાં આવ્યા છે. હજુ તંત્ર દ્વારા ૧૪૦૪ આવાસોના બાકી રહેલા આવાસો પણ તોડી પાડવાની તૈયારી ચાલતી હોવાના સંકેતો સાંપડે છે. આમ શહેરમાં છેલ્લા એક વર્ષમાં તંત્રએ જોખમી ગણેલા એવા ૧૪૭ જેટલી જોખમી ઈમારતોને સેઈફ સ્ટેજે લઈ જવા નોટીસ પાઠવી છે.