ગુજરાત સહિત દેશમાં કરોના વાયરસનો એક પણ કેસ નથી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો.
અમદાવાદ: ગુજરાત સહિત દેશમાં નોવેલ કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. નોવેલ કોરોના વાયરસ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક છે. ચાઇનામાં ફસાયેલા ગુજરાતી નાગરિકોને પરત લાવવા રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદેશ મંત્રી સાથે વાત કરી હતી
જેમાં વિદેશ મંત્રાલય તરફથી તમામ જરૂરી મદદની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં આ વાયરસની પરિસ્થિતિ સામે પહોંચી વળવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા હતા, તેમ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડા.જયંતિ રવિએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
આ રોગથી બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી પણ જરૂરી સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરતા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડા. જયંતિ રવિએ કહ્યું હતું કે, ચાઇનામાં રહેતા ભારતીય નાગરિકોની મદદ માટે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગ અંતર્ગત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યકક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
કંટ્રોલ રૂમ ખાતે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત કોઇ વ્યક્તિમાં વાયરસના લક્ષણો જોવા મળે તો આરોગ્ય વિભાગના રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ-૦૭૯ ૨૩૨૫૦૮૧૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે. જે માટે રાજ્યકક્ષાએ ડા. ઉમંગ મિશ્રા અને ડા. પઠાણની નિયુક્તિ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ડા. રવિએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળેલ માહિતી તેમજ સ્થાનિક કક્ષાએથી આરોગ્ય વિભાગને મળેલ માહિતી અનુસાર હાલ રાજ્યમાં ચાઈનાથી આવેલ અમદાવાદમાં-૪, વડોદરામાં-૨, સુરત મહાનગરપાલિકામાં-૧, રાજકોટમાં-૧, આણંદમાં-૧ અને જુનાગઢમાં-૧ એમ કુલ ૧૦ મુસાફરોને ઓઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
આ તમામ મુસાફરોનું જિલ્લાના સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશન સર્વેલન્સ અધિકારી દ્વારા દૈનિક ધોરણે મુલાકાત લેવામાં આવે છે. આ તમામ મુસાફરો સ્વસ્થ્ય છે અને તેમનામાં આ રોગના કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. આગામી વધુ ૨૮ દિવસ સુધી આરોગ્ય અધિકારીઓ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ લક્ષણ જણાશે તો તેને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી ગાઈડલાઈન મુજબ સેમ્પલ લેવામાં આવશે.