સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

(એજન્સી)સાણંદ, ભારતીય સેનાના પરાક્રમ અને ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રવિવારે એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અમિત શાહે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. નળ સરોવર ત્રણ રસ્તાથી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી અંદાજે ૧.૨૫૦ કિમીની તિરંગા યાત્રા અમિત શાહે શરૂ કરાવી હતી.
અમિત શાહ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ સાથે જ સાણંદની તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો, ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામેની એક નિર્ણાયક કાર્યવાહી હતી, જેણે ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો. આ હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા.
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનના ૯ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરીને વિશ્વ સમક્ષ ભારતની શક્તિનો પરચો આપ્યો. આ સફળતાને દેશભરના નાગરિકો સુધી પહોંચાડવા અને સેનાના શૌર્યને સન્માન આપવા માટે ભાજપે ૧૩ મે થી ૨૩ મે સુધી દેશવ્યાપી તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે.
સાણંદ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં હજારો નાગરિકો, ભાજપના કાર્યકરો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ યાત્રા દેશભક્તિના નારા અને ભારત માતા કી જયના ઉદ્ઘોષ સાથે નળસરોવર ત્રણ રસ્તાથી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી નીકળી હતી.