Western Times News

Gujarati News

ગાઝામાં ઇઝરાયેલના ભીષણ હવાઇ હુમલામાં ૧૦૩નાં મોત

ડેઇર અલ-બલાહ, ઇઝરાયલે શનિવારે રાત્રે અને રવિવારે ગાઝા પટ્ટી પર કરેલા નવેસરના ભીષણ હવાઇ હુમલામાં ડઝનેક બાળકો સહિત ઓછામાં ઓછા ૧૦૩ લોકોના મોત થયાં હતાં.

ગાઝામાં ઇઝરાયેલે વ્યાપક ભૂમિ આક્રમણ પણ ચાલુ કર્યું હતું.પેલેસ્ટિનિયન રિજનના ખાન યુનિસ શહેર અને તેની આસપાસ હવાઈ હુમલામાં ૪૮થી વધુના મોત થયા હતાં. હુમલામાં ઘરો અને વિસ્થાપિત લોકોને આશ્રય આપતા ટેન્ટોને ટાર્ગેટ કરાયા હતાં.

નાસેર હોસ્પિટલના જણાવ્યા અનુસાર મૃતદેહોની હાલત એટલી ખરાબ હતી કે મૃતકોની ગણતરી કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. મૃતકોમાં ૧૮ બાળકો અને ૧૩ મહિલાઓનો સમાવેશ થતો હતો.ગાઝા આરોગ્ય મંત્રાલયની ઇમર્જન્સી સર્વિસના જણાવ્યા અનુસાર ઉત્તર ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિરમાં એક ઘર પર થયેલા હુમલામાં એક પરિવારના નવ સભ્યોના મોત થયાં હતાં.

જબાલિયામાં એક નિવાસસ્થાન પર થયેલા બીજા હુમલામાં સાત બાળકો અને એક મહિલા સહિત ૧૦ લોકોના મોત થયાં હતાં.બીજી તરફ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનની જાહેરાત કરતાં ઇઝરાયેલી આર્મીએ જણાવ્યું હતું કે શનિવારે થયેલા પ્રારંભિક હુમલાઓમાં ડઝનેક આતંકવાદીઓના મોત થયા હતા અને ૬૭૦થી વધુ સ્થળો પર હુમલો કર્યાે હતો.

ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેની શરતોએ હમાસ હંગામી યુદ્ધવિરામ માટે સંમત થાય તેનું દબાણ કરવામાં આવી રહ્યું છે.ઇરાનનું સમર્થન ધરાવતા હુથી બળવાખોરેએ યમનમાં રવિવારે સવારે ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કર્યા હતાં.

જોકે ઇઝરાયેલા આ મિસાઇલોને હવામાં જ તોડી પાડ્યાં હતાં. બળવાખોરોએ જણાવ્યું હતું કે તેમણે તેલ અવીવ નજીક ઇઝરાયલના મુખ્ય એરપોર્ટ તરફ બે બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા હતાં. તેમાં એક હાઇપરસોનિક મિસાઇલ પણ સામેલ હતી.

આ મહિનાની શરૂઆતમાં પણ હુથી બળવાખોરોએ તેલ અવીવ નજીક મિસાઇલથી હુમલો કર્યાે હતો. ઉત્તરી ગાઝામાં લોકોને સારવાર પૂરી પાડતી ઇન્ડોનેશિયન હોસ્પિટલની આસપાસ લડાઈ અને ઇઝરાયેલી લશ્કરી ઘેરાબંધીને કારણે તેને બંધ કરવાની ફરજ પડી છે તેમ ગાઝાના આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.

યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં અત્યાર સુધી એકમાત્ર ઈન્ડોનેશિયન હોસ્પિટલ ચાલુ હતી, જ્યાં મોટી સંખ્યામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અપાતી હતી. જોકે ઈઝરાયેલની સેનાએ હોસ્પિટલની આસપાસ હુમલા કરાયા હોવાના ગાઝાના દાવા અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.