Western Times News

Gujarati News

પ્રોજેક્ટ્‌સને પશ્ચાદવર્તી પર્યાવરણીય મંજૂરી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

નવી દિલ્હી, નિયમોનો ભંગ કરીને પ્રોજેક્ટ્‌સને પૂર્વવર્તી કે એક્સ પોસ્ટ ફેક્ટો પર્યાવરણીય મંજૂરી આપતા કેન્દ્ર સરકારના ઓફિસ મેમોરેન્ડમને રદ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર મૂળભૂત અધિકારનો એક મહત્ત્વનો હિસ્સો છે.

કોર્ટે આવું મેમોરેન્ડમ જારી કરવા બદલ કેન્દ્ર સરકારની આકરી ટીકા પણ કરી હતી.વનશક્તિ સંસ્થાએ દાખલ કરેલી અરજી પર આપેલા ચુકાદામાં ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બનેલી ખંઠપીઠે આકરી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોની જેમ પર્યાવરણનું રક્ષણ કરવાની કેન્દ્ર સરકારની પણ બંધારણીય જવાબદારી છે.

કાયદા હેઠળ સંપૂર્ણપણે પ્રતિબંધિત કંઈક કરવાના કેન્દ્રના પ્રયાસ સામે પણ આકરી કાર્યવાહી થશે. ઓફિસ મેમોરેન્ડમમાં હોશિયારીપૂર્વક એક્સ પોસ્ટ ફેક્ટો શબ્દોનો ઉપયોગ કરાયો નથી, પરંતુ તે શબ્દોનો ઉપયોગ કર્યા વગર પૂર્વવર્તી મંજૂરી આપવાની જોગવાઈ છે.

આ કોર્ટના નિર્ણયોનું ઉલ્લંઘન કરી ૨૦૨૧માં જારી કરાયું છે. તેથી તે અને સંબંધિત પરિપત્રોને મનસ્વી ગેરકાયદેસર અને પર્યાવરણ (સંરક્ષણ) ધારા, ૧૯૮૬ અને પર્યાવરણીય અસર મૂલ્યાંકન નોટિફેકેશન, ૨૦૦૬ની વિરુદ્ધ છે.ખંઠપીઠે જણાવ્યું હતું કે બંધારણની કલમ ૨૧ હેઠળ પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાના અધિકારની ખાતરી આપવામાં આવી છે.

હકીકતમાં ૧૯૮૬નો કાયદો આ મૂળભૂત અધિકારને અમલમાં મૂકવા માટે ઘડવામાં આવ્યો છે. તેથી કેન્દ્ર સરકારની પણ કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેમાં સુધારો કરવાની ફરજ છે.કેન્દ્રના આવા પગલાં પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કરનારા પ્રોજેક્ટ્‌સને નિયમિત કરવાની ગેરકાયદે મંજૂરી આપે છે. અદાલતોએ પર્યાવરણ સંબંધિત કાયદાઓના ઉલ્લંઘન પર ખૂબ જ કડક નજર રાખવી જોઈએ.

આવું કરવું બંધારણીય અદાલતોનું કર્તવ્ય છે. દિલ્હી અને બીજા શહેરોના પ્રદૂષણનો ઉદાહરણ ટાંકીને ખંડપીઠે જણાવ્યું હતું કે દર વર્ષે ઓછામાં ઓછા બે મહિના માટે દિલ્હીના રહેવાસીઓ હવાના પ્રદૂષણને કારણે ગૂંગળામણ અનુભવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.