અમદાવાદની ૭૫ લાખની વસતી સામે માત્ર ૧ હજાર ફેમિલી ડૉક્ટર ઉપલબ્ધ

અમદાવાદ, ફેમિલી ફિઝિશિયન સ્વાસ્થ્ય સેવાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ફેમિલી ફિઝિશિયનની પ્રથા ધીરે-ધીરે લુપ્ત થઈ રહી છે.
હાલ અમદાવાદની અંદાજે ૭૫ લાખની વસતીમાં માત્ર ૧૦૦૦ જેટલા રજીસ્ટર્ડ ફેમિલી ફિઝિશિયન છે. દર વર્ષે ૧૯ મે ના રોજ વિશ્વભરમાં લોકોને પ્રાથમિક સારવાર પૂરી પાડતા ફેમિલી ડૉક્ટરની સેવાઓને બિરદાવવાનાં ભાગરૂપે ‘વર્લ્ડ ફેમિલી ડૉક્ટર ડે’ ની ઉજવણી ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે.
આજથી થોડા વર્ષ અગાઉ ફેમિલી ફિઝિશિયન કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત રીતે ઓળખતા હતા અને કુટુંબના તમામ સભ્યોની મેડિકલ હિસ્ટ્રીથી પણ તેઓ વાકેફ હતા. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી ફેમિલી ફિઝિશિયનની પ્રથા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અને આ બાબત ચિંતાજનક ગણાય છે. હવે તબીબી સેવાઓ માટે ડૉક્ટર્સ-કન્સલ્ટન્ટની નવી પ્રથા અમલમાં આવી છે.
ધીમે ધીમે ફેમિલી ડૉક્ટરનું પ્રમાણ ઓછું થતું જાય છે. ૧૯૮૦-૯૦ પહેલાં ફેમિલી ડૉક્ટર્સ ૮૦-૮૫% હતા અને માત્ર ૧૦ થી ૧૫% ડૉક્ટર કન્સલ્ટન્ટ હતા. હાલ ૮૦ થી ૮૫% ડૉક્ટર્સ કન્સલ્ટન્ટ છે અને માત્ર ૧૦-૧૨% ફેમિલી ડૉક્ટર તરીકે સેવા આપે છે.SS1MS