ધાકધમકી અને માનસિક હેરાનગતિથી પરેશાન મહિલાએ 181 હેલ્પલાઈનનો સહારો લીધો

પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી મહિલાની મદદે આવી 181 અભયમ મહિલા હેલ્પલાઈન-છ મહિનાથી મહિલાનો પીછો કરનાર વ્યક્તિ મહિલા સાથે જબરદસ્તી અને છેડતી કરવાના પ્રયત્ન કરી રહ્યો હતો
કાયદાના ડરથી વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થતા તેણે 181 સમક્ષ મહિલાની માફી માંગી
એક મહિલાનો 181 ઉપર ફોન આવ્યો હતો. મહિલા ખૂબ જ ગભરાયેલી અને ચિંતામાં લાગી રહી હતી. એક વ્યક્તિ છેલ્લા છ મહિનાથી તેનો પીછો કરી રહ્યો હતો. એ વ્યક્તિ આ મહિલા સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરી તેની છેડતી પણ કરી રહ્યો હતો.
આ મહિલાએ 181 અભયમ હેલ્પલાઈનની મદદ માંગી હતી. 181ની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે, તે છ મહિનાથી એક પ્રાઈવેટ કંપનીમાં કચરા-પોતું કરવા માટે જતી હતી. છેલ્લા છ મહિનાથી આ વ્યક્તિ તેનું શોષણ કરી રહ્યો હતો.
તે વ્યક્તિ આ મહિલાને ધાકધમકી આપી તેના પતિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. મહિલા આ ધમકીથી ડરી ગઈ હતી. તે વ્યક્તિ આ મહિલાને અવારનવાર માનસિક રીતે હેરાન કરતો હતો. મહિલાએ લવ મેરેજ કર્યા હતા અને તેને ડર હતો કે આ વ્યક્તિ તેના પતિને નુકસાન પહોંચાડશે.
181ની ટીમે મહિલાને હેરાન કરનાર આ વ્યક્તિને ઘટના સ્થળ પર બોલાવ્યો હતો અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ વ્યક્તિને કાયદાકીય પરિણામોની સમજ આપવામાં આવી હતી. 181 અભયમ ટીમ દ્વારા તે વ્યક્તિ પાસેથી આજ પછી તે મહિલાને પીછો ન કરે માટે તેની બાંહેધરી સાથેનું લખાણ લેવામાં આવ્યું હતું. તે વ્યક્તિ દ્વારા આ મહિલા સાથે જો કોઈ પણ જાતની જબરદસ્તી કરવાના કોઈપણ પ્રયત્ન કરવામાં આવશે તો તેના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ તેને જાણ કરવામાં આવી હતી.
181 અભયમ ટીમે બંને પક્ષને કાયદાકીય સમજ આપી હતી. મહિલાને હેરાન કરનાર વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થતા તેણે મહિલાની માફી માંગી હતી. મહિલાની સમસ્યાનું સમાધાન આવતા અને તેને 181 ની કાર્યવાહીથી સંતોષ થતા મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.