Western Times News

Gujarati News

ટંકારાના રોહીશાળા ગામે પશુપાલન વિભાગના ડોક્ટર્સએ જટીલ રૂમેનોટોમી સર્જરીથી ભેંસને આપ્યું નવજીવન

પ્રતિકાત્મક

ભેંસની હોજરીમાં લોખંડ હોવાથી પશુપાલન વિભાગની ટીમે ફિલ્ડ પર જ ઓપરેશન હાથ ધરી ભેંસને પીડામાંથી મુક્ત કરાવી

માહિતી મોરબી, ટંકારા તાલુકાના રોહીશાળા ગામે પશુપાલકશ્રી મહેશભાઈ મુંધવાની ભેંસ છેલ્લા ત્રણ મહિનાથી બીમાર હોવાથી પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા ભેંસની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતુ. જે નિદાન પરથી ભેંસની હોજરીમાં ફોરેન બોડી (લોખંડ) જોવા મળતા મોરબીની પશુ ચિકિત્સા ટીમ દ્વારા ફિલ્ડ પર જ અઘરી ગણાતી રૂમેનોટોમી સર્જરીથી ઓપરેશન કરી ભેંસને પીડામાંથી મુક્ત કરાવી નવજીવન આપ્યું હતું.

રોહીશાળા ગામના પશુપાલકની ત્રીજા વેતરની ભેંસ ત્રણ મહિનાથી બીમાર રહેતી હતી, જેની પશુપાલક દ્વારા પણ સારવાર કરવામાં આવી હતી. પરંતુ ભેંસને સારું થતું ન હોવાથી તેમણે ટંકારા તાલુકાના પશુ ચિકિત્સા અધિકારીશ્રી ડો. વિજય ભોરણીયાનો સંપર્ક કર્યો હતો. જેમણે પશુ ચિકિત્સા ભેસનું મેટલ ડિરેક્ટરની મદદથી નિદાન કર્યું હતું

અને નિદાનના અંતે ભેંસની હોજરીમાં ફોરેન બોડી (લોખંડ) હોવાનું ફલિત થયું હતું. હોજરીમાં રહેલ લોખંડ બહાર કાઢવા માટે અઘરી ગણાતી રૂમેનોટોમી સર્જરીથી ઓપરેશન કરવાની જરૂર જણાઈ હતી. આ ઓપરેશન ફિલ્ડ લેવલે ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય છે ઉપરાંત ઓપરેશન માટે વેટરનરી ડોક્ટરની ટીમની પણ જરૂર પડતી હોય છે.

સામાન્ય રીતે ૨ થી ૩ કલાક ચાલતી આ સર્જરી માટે ગત ૧૭ મે ના રોજ પશુચિકિત્સક અધિકારીશ્રી ડો. વિજય ભોરણીયા અને ડો. નિલેશ ભાડજા તેમજ મોરબીની પશુ ચિકિત્સા ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઓપરેશનના અંતે ભેંસના પેટમાંથી લોખંડની રીંગ, તૂટેલી ચાવીનો કટકો, લોખંડનો તાર તેમજ લોખંડનો ભૂકો સફળતાપૂર્વક બહાર કાઢી ભેંસને અસહ્ય પીડામાંથી મુક્ત કરાવવામાં આવી હતી. ભેંસને નવજીવન આપવા બદલ પશુપાલકશ્રી મહેશભાઈ રમેશભાઈ મુંધવાએ સરકારશ્રીના પશુપાલન વિભાગની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.