ઝઘડિયાના ઉમલ્લા નજીક ટ્રકની અડફેટે મોટર સાયકલ સવાર યુવકનું મોત

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટર સાયકલ સવાર યુવકનું મોત થયું હતું.જ્યારે બીજા ઈસમને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઉમલ્લા પોલીસ મુજબ તા.૧૭ મીના રોજ બપોરના દોઢ વાગ્યાના સમયે ઉમલ્લા ગામે રહેતો કમલેશ તડવી નામનો યુવક ફળિયામાં રહેતા સંજય વસાવા સાથે મોટર સાયકલ પર ઘરે આવ્યો હતો અને જમવાનું ટીફિન આપીને ફરી પાછો તેના કામે ગયો હતો.
ત્યાર બાદ સવા બે વાગ્યાના અરસામાં તેના પરિવારજનોને ખબર મળી હતી કે કમલેશની મોટર સાયકલને એક ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.પરિવારના લોકો ખાખરીપુરા ઉમલ્લા વચ્ચેના માર્ગ પર ઘટના સ્થળે દોડી ગયા હતા.
ત્યારે ઈજાગ્રસ્ત કમલેશ અને સંજય વસાવાને એમ્બ્યુલન્સમાં ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાયા હોવાની જાણ થઈ હતી. ઈજાગ્રસ્ત કમલેશને દવાખાનામાં ફરજ પરના તબીબે મરણ પામેલ જાહેર કર્યો હતો
અને તેની સાથેના સંજય વસાવાને ગંભીર ઈજાઓ થયેલ હોઈ વધુ સારવાર માટે રાજપીપલા લઈ જવાયા હતા.ઘટના સંદર્ભે ઉમલ્લા પોલીસે અકસ્માત કરી પોતાનું વાહન લઈને નાશી ગયેલ ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.