ઝઘડીયા ખાતે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ

સરકારે ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છેઃ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયામાં આવેલ બોરોસિલ રિન્યૂએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ બોરોસિલ રિન્યૂએબલ્સ ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, બોરોસિલ રિન્યૂએબલ્સ લિમિટેડના ચેરમેન પ્રદીપ ખેરુકા અને વાઈસ ચેરમેન શ્રીવર ખેરુકાના હસ્તે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણના પ્રતીકાત્મક શુભારંભના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચારો સાથે મહાનુભાવોએ નર્મદા નદીનું પાણી એક રિચાર્જ કૂવામાં અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે દેશના દરેક જિલ્લામાં ૭૫ તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે. જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગ મિશનનો ઉદ્દેશ ખેતરે-ખેતરે, ગામડે-ગામડે, શહેરે-શહેરે, વરસાદી પાણી જ્યાં પણ પડે ત્યાં તેનો સંગ્રહ કરવાનો છે. સરકારે ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે.
આ તકે તેમણે કહ્યું કે નદીઓ પર મોટા ડેમ બનાવવા માટે ૨૫ વર્ષનો સમય હવે નથી રહ્યો ત્યારે જળસંચય જ એકમાત્ર તેનો ઉપાય છે.જમીનમાં પાણી ઉતારવું સસ્તુ છે, પાણી ફરી મેળવવું સહેલુ પણ છે.એટલા જ માટે ૨૦૨૧માં કેચ ધ રેઈનનું આહવાન પ્રધાનમંત્રીએ આપણને આપ્યો હતો. હાલ દેશમાં વડાપ્રધાનના એક આહવાન થકી ૧૬ લાખથી વધુ જળસંચયના સ્ટ્રકચરો ઉભા થયા છે.લોકોને હવે તેની જરૂરીયાત સમજાઈ છે.
જળ છે તો જીવન છે જ પરંતુ હવે એ વ્યાખ્યા બદલાતા જલ હે તો કલ હૈ એમ ભારપૂર્વક જણાવ્યું હતું.વધુમાં મંત્રીએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર યોજના પૂર્ણ કરી સાથે રિવર લિંકિંગની કલ્પનાને સાકાર કરવાનો પ્રયાસ કર્યો.અટલજીના સ્વપ્નને પૂર્ણરૂપ આપીને મા નર્મદાના પાણીને સાબરમતી નદી સાથે જોડીને તેનાથી સૌરાષ્ટ્રની નદીઓ,તળાવો અને છેક કચ્છ સુધી પાણી પહોંચાડયું છે.
આ પ્રસંગે કંપનીના ચેરમેન પ્રદિપ ખેરુકાએ જણાવ્યું હતું કે આખા જિલ્લાના લોકો આ અભિયાનમાં જોડાઈ અને સહયોગ આપે જેથી વિવિધ સ્થળોએ આ બોર કરી શકાય અને પાણીની સમસ્યાનો અંત લાવી શકાય. આ પ્રસંગે જીલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમ્યાન જળસંરક્ષણવિદ મયંક ગાંધી દ્નારા બોરોસિલ રિન્યૂએબલ્સ રેનવોટર હાર્વેસ્ટિંગ કેમ્પિયન અંર્તગત ભારતમાં થયેલી પાણી બચાવવાની કામગીરી, તેના સ્ટ્રકચર નિર્માણ,તેઓના દ્વારા આવેલા પરિવર્તનની ફિલ્મનું નિદર્શન ઉપસ્થિત સૌએ કર્યું હતું.
નીતિ આયોગના ડેટા પ્રમાણે ૨૦૩૦ સુધીમાં પાણી માટે વસમી સ્થિતિનું નિર્માણ થઈ શકે એમ છે. ઈતિહાસકારોના મતે આવનારા ભવિષ્યમાં ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે.એ યુદ્ધ ભલે પાણી માટે હોય, પણ ભારત દેશ યુદ્ધમાં ક્યાંયે નહી હોય.એમ ભાર પૂર્વક જણાવી,આવનારી સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અત્યારથી જળસંચયનું કામ કરી રહી છે.