સુરત સિવિલના રેડિયોલોજી વિભાગના રેસિડેન્ટ તબીબનો આપઘાત

આપઘાતના કારણ અંગે તર્કવિતર્ક ઃ મૂળ બેંગ્લોરના ડૉ.લોકેશને ડિપ્રેશનની સારવાર ચાલતી હતી
સુરત, સુરત સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ રેસિડેન્ટ તબીબે હોસ્ટેલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. ઉચ્ચ તબીબી અધિકારીઓને જાણ થતાં તાત્કાલિક ટ્રોમા સેન્ટર દોડી આવ્યા હતા.
સવારે સાથી તબીબી કર્મચારી સાથે વિવાદ બાદ વતન મોકલી આપવાના નિર્ણયને પગલે સાંજે તબીબે અંતર્મ પગલું ભર્યું હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડયું છે. પ્રેમ પ્રકરણ સહિત આપઘાતના કારણ અંગે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે.
મૂળ કર્ણાટક બેંગ્લોરના વતની અને નવી સિવિલ કેમ્પસમાં આવેલા બી બ્લોક પીજી બોઈઝ હોસ્ટેલમાં રહેતા ર૬ વર્ષીય ડૉ.લોકેશ એ.દેવાંગ હાલમાં સુરતની નવી સિવિલ કેમ્પસમાં આવેલા રેડિયોલોજી વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
સાથે જ સિવિલ હોસ્પિટલમાં આર-ર તરીકે ફરજ બજાવતો હતો. તબીબ લોકેશ શનિવારે સાંજે પોતાના રૂમમાં સાથી તબીબોને મારે સામાન પેક કરવો છે તમે બહાર જાવ કહી પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
સાથી તબીબોને ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક ફાંસો ખાધેલી હાલતમાંથી તબીબને નીચે ઉતારી સારવાર માટે ટ્રોમા સેન્ટર ખસેડાયો હતો જ્યાં તેની મેડિસીન વિભાગના તબીબો દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણ હોસ્પિટિલના તંત્રના ઉચ્ચ તબીબી અધિકારીઓને થઈ હતી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, આરએમઓ, મેડિકલ કોલેજના ડીન, રેડિયોલોજી વિભાગના વડા સહિતના તબીબી અધિકારીઓ ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યા હતા.
ઘટનાની ગંભીરતાને લઈ રેસિડેન્ટ તબીબો પણ આવી પહોંચ્યા હતા. બે-ત્રણ કલાકની સારવાર બાદ ફરજ પરના તબીબે લોકેશને મોડી સાંજે મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ આ ઘટનાની જાણ બેંગ્લોરમાં રહેતા પરિવારજનોને કરાઈ હતી. માતા-પિતા સહિતના પરિવારજનો સુરત આવવા માટે વતનથી નીકળ્યા હતા.
આ ઘટનાની જાણ સ્થાનિક ખટોદરા પોલીસને ૩ કલાક જેટલા સમય બાદ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાને લઈ મૃતકનો મોબાઈલ ફોન કબજે લઈ તપાસ હાથ ધરી હતી. તબીબના આપઘાત પાછળ અનેક શંકા-કુશંકા સેવાઈ રહી છે. શનિવારે સવારે મૃતક તબીબનો સાથી મહિલા કર્મી સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો.