મોડાસા આઈકોનિક બસ સ્ટેશનની આસપાસ ધૂળના પ્રદૂષણથી પરેશાની

પાકો રોડ બનાવ્યો ન હોવાથી ધૂળિયા રસ્તા પરથી વાહનોની અવર-જવરથી પ્રદૂષણની સમસ્યા
મોડાસા, અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા નગરના નવીન આઈકોનિક બસ સ્ટેશનનો બહાર નીકળતો રસ્તો કાચો હોવાથી ધૂળની ડમરીની ડસ્ટથી આસપાસની રહેણાંક સોસાયટીના રહીશો હેરાન-પરેશાન થઈ ગયા છે. બીજીબાજુ આ રોડ ઉપરથી એસ.ટી.બસો પસાર થતી હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે જેથી આસપાસના સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.
અહીં નજીકમાં નગરપાલિકા કચેરી અને સિંચાઈ કચેરી તથા યોગીકૃપા હાઈસ્કૂલ આવેલ હોઈ લોકો, છાત્રો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. એસ.ટી. બસોની અવર-જવરના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે. તાકીદે ઉકેલની જન માંગ છે જેથી સત્વરે રોડ પાકો બનાવી અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી.
આ પાલિકા કચેરી જવાના મહત્વના માર્ગ ઉપર મોડાસાની લક્ષ્મી સોસાયટી તથા એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારના રહીશોએ નગરપાલિકા સત્તાધીશ વહીવટકર્તાઓ સમક્ષ રજૂઆત કરી માંગણી કરી છે કે, મોડાસા નગરમાં આઈકોનિક નવું એસ.ટી. બસ સ્ટેશન આઠ વર્ષના વિલંબીત કામ બાદ પૂર્ણ થતાં ઉદ્ઘાટન કરી શરૂ કરવામાં આવ્યું છે,
પરંતુ એસ.ટી.બસ સ્ટેશનમાંથી પબ્લિકના આવવા જવામાં હાલ એકમાત્ર આ માર્ગથી રસ્તો આપેલ છે જયારે એસ.ટી.બસ સ્ટેશન બહાર નીકળતો હજુ પાકો બનાવવામાં આવ્યો નથી. આ રોડ ઉપરથી પસાર થતી એસ.ટી.બસોના કારણે ધૂળની ડસ્ટ ઉડે છે જેથી બસ સ્ટેશન નજીક આવેલી હાઉસીંગ સોસાયટીના રહીશને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. અહીં ડોકટર હાઉસ સહિતની હોસ્પિટલો આવેલ હોઈ ટ્રાફિક સમસ્યા રહે છે. માટે આ રોડ ઉપર ટ્રાફિક પોલીસ સ્ટાફ ફાળવવા જન માંગ છે. આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા માંગ છે.