Western Times News

Gujarati News

ગુજરાતના રમતવીરોએ કુલ 13 મૅડલ જીત્યા: 107 ખેલાડીઓએ ભાગ લીધો

બિહાર ખાતે આયોજિત 7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’માં ગુજરાતના 107 ખેલાડીઓએ લીધો ભાગ

 ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’માં જુડો, યોગાસન, ફેન્સિંગ, વૉલીબૉલ વગેરે રમતોમાં

એવું કહેવાય છે કે, ચૅમ્પિયન રાતોરાત નથી જન્મતા, તેમની જીત પાછળ વર્ષોનું સમર્પણ, શિસ્ત અને સપોર્ટ રહેલો હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ નેતૃત્વમાં ભારત સરકાર દેશના ખૂણે-ખૂણેથી પ્રતિભાને બહાર લાવવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને પહેલો રમતવીરોને વિશ્વ ચૅમ્પિયન બનવા માટે સતત પ્રોત્સાહન આપી રહી છે.

આમાંની એક મુખ્ય પહેલ છે- ખેલો ઇન્ડિયા, જેનો ઉદ્દેશ પાયાના સ્તરે રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો અને સ્પોર્ટ્સમાં ભારતની વૈશ્વિક સ્તરે ઓળખ બનાવવાનો છે. તાજેતરમાં આ પહેલ અંતર્ગત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ કુલ 13 મૅડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025માં ગુજરાતના 107 ખેલાડીઓએ વિવિધ રમતોમાં કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા બિહાર ખાતે 4 મેથી 15 મે દરમ્યાન ખેલો ઇન્ડિયા અંતર્ગત 7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં અન્ડર-18 જૂથના ખેલાડીઓએ 28 જેટલી રમતોમાં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી વૉલીબૉલ, જુડો, આર્ચરી, સ્વિમિંગ, જીમ્નાસ્ટિક, વેઇટલિફ્ટિંગ, કુસ્તી, મલખમ, ટેનિસ, એથલેટિક્સ, થાનગ થા, યોગાસન, ગતકા, કલરીપયટ્ટુ, ફેન્સિંગ, સાઇકલિંગ અને શૂટિંગ એમ કુલ 17 વ્યક્તિગત અને ટીમ ગેમમાં કુલ 107 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025માં ગુજરાતના ચૅમ્પિયન્સની વાત કરીએ તો, ખેલાડીઓએ જુડો રમતમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મૅડલ, યોગાસનમાં 1 સિલ્વર મૅડલ, ફેન્સિંગમાં 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મૅડલ, સ્વિમિંગ રમતમાં 1 બ્રોન્ઝ મૅડલ, વૉલીબૉલમાં 1 બ્રોન્ઝ મૅડલ અને કુસ્તીમાં 1 બ્રોન્ઝ મૅડલ એમ કુલ 13 મૅડલ પ્રાપ્ત કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

ભારત 2036માં ઓલિમ્પિક લાવવાના પ્રયાસો કરી રહ્યું છે: વડાપ્રધાનશ્રી

7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન દરમ્યાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આ પ્લેટફૉર્મ ખેલાડીઓના શ્રેષ્ઠતમ સ્તરને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સરકાર દેશમાં રમતગમતના માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

છેલ્લા દાયકામાં રમતગમતનું બજેટ ત્રણ ગણાં કરતાં પણ વધુ વધારવામાં આવ્યું છે. ભારત 2036માં ઓલિમ્પિક લાવવાના પણ પ્રયાસો કરી રહી છે. દેશમાં ઉત્કૃષ્ટ ખેલાડીઓ તૈયાર કરવાના ઉદ્દેશ સાથે અમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતગમતને મુખ્ય પ્રવાહના શિક્ષણનો ભાગ બનાવ્યો છે.”

2024માં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ ₹487.95 કરોડને પાર થયું

ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે 2024માં ₹487.95 કરોડ કરતાં પણ વધી ગયું છે.

આ ઉપરાંત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરવામાં આવી છે, જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. આ પોલિસીથી રાજ્ય આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમના સપનાં સાકાર કરવાની વધુ તકો મળશે.

ઉલ્લેખનીય છે કે, ભારત 2030 કૉમનવેલ્થ ગેમ્સની યજમાનીની રેસમાં ઉતર્યું છે. જો ભારતને આ ઇવેન્ટનું આયોજન કરવાની તક મળશે, તો તે અમદાવાદમાં યોજાશે. આ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં એક સ્પોર્ટ્સ વિલેજ પણ બનાવવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.