અમદાવાદમાં કોરોનાના 11 કન્ફર્મ કેસ

પાંચ વર્ષ બાદ કોરોનાની રિ-એન્ટ્રી થતાં નાગરિકોમાં ફફડાટ
(પ્રતિનિધિ) અમદાવાદ, વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની દેશમાં ફરીથી એન્ટ્રી થઈ છે. દેશના અનેક રાજયો સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. જયારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોનાના ૧૧ કેસ કન્ફર્મ થયા છે જે પૈકી છેલ્લા ર દિવસમાં જ ૭ કેસ નોંધાતા તંત્ર ફરીથી દોડતુ થઈ ગયું છે.
અમદાવાદ શહેરમાં કોરોનાની રી એન્ટ્રી થઈ છે ર૦ર૦ અને ર૦ર૧માં ભારે તબાહી સર્જયા બાદ કોરોનાની રિ એન્ટ્રી થતાં નાગરિકોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને પટ્ટામાંથી કોરોનાના કેસ કન્ફર્મ થઈ રહયા છે. ૧૪ મે થી ર૦ મે સુધીના સમયગાળા દરમિયાન કોરોનાના ૧૧ કેસ નોંધાયા છે.
શહેરના બોપલ, ગોતા, પાલડી, નવરંગપુરા, વટવા, નારોલ સહિતના વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ દર્દી મળી આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે એલ.જી.હોસ્પિટલની ગર્લ્સ હોસ્ટેલમાંથી પણ કોરોનાનો કેસ કન્ફર્મ થયો છે. કોરોનાના દર્દીઓમાં કુમળી વયના બાળકોનો પણ સમાવેશ થાય છે.
કોરોનાના દર્દીઓ પૈકી મોટાભાગના દર્દીઓને એલ.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જોકે સંતોષજનક બાબત એ છે કે કોરોનાના તમામ દર્દીઓ હાલ ચિંતામુકત છે અને હોમ આઈસોલેશનમાં છે.
મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ ખાસી, શરદી અને તાવના લક્ષણો જણાતા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં આ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતાં મોટાભાગના દર્દીઓએ એલ.જી.હોસ્પિટલ અને ગ્રીન ક્રોસની લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યા હતાં જોકે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે
જેના કારણે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. અત્રે નોંધનીય છે કે ર૦ર૦ અને ર૦ર૧માં અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો તેમાં પણ ખાસ કરીને બીજી લહેર દરમિયાન ઘણા દર્દીઓના મૃત્યુ થયા હતાં.