આધાર કાર્ડની વેબસાઇટ પર સાઇબર એટેક કરનાર આરોપી ઝડપાયો

નડિયાદમાંથી બે સાયબર ટેરરિસ્ટ ઝડપાયા ગુજરાત ATSની નોંધનીય કામગીરી
(એજન્સી)ગાંધીનગર, પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હાત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ છે. ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.
ગુજરાત એટીએસે નડીયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા સાયબર ટેરરિસ્ટની ઓળખ જસીમ અંસારી તરીકે થઈ છે. આ બંને આતંકીઓ જેહાદી માનસિકતા ધરાવતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત એટીએસે નડીયાદ પાસેથી બે યુવકોની ધરપકડ કરી છે. એટીએસના અનુસાર પકડાયેલા યુવકોને ઓપરેશન સિંદૂર દરમિયાન આધાર કાર્ડની વેબસાઇટ પર સાઇબર એટેક કર્યો હતો. આ માટે તેમણે મહત્ત્વપૂર્ણ વેબસાઇટને હેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ યુવકોએ ભારત સરકારની ઘણી વેબસાઇટને ટાર્ગેટ કરી હતી.
બંને આતંકીઓએ યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મની મદદથી હેકિંગ શીખ્યા હતા. તેઓ ભારતમાં જ સાયબર ગુનાઓમાં સંડોવાયેલા હતા. એટીએસે જસીમ અંસારી અને તેના ભાઇની ધરપકડ કરી છે.
એટીએસના અનુસાર ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત વિરોધી ગ્રુપમાં જોડાઇને સરકારી વેબસાઇટ ટાર્ગેટ કરવાનો આરોપ છે. એટીએસ તપાસ કરી રહી છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતનો કોઇ ડેટા પાકિસ્તાન સાથે કરવામાં આવ્યો છે કે નહી. બંને આરોપી ગુજરાતના રહેવાસી છે.