ગોધરામાં લાલબાગ બસ સ્ટેન્ડ બીજા સ્થળે ખસેડાતા સ્થાનિક વેપારીઓની હાલત દયનીય

લાલબાગ બસ સ્ટેન્ડને જ યેનકેન પ્રકારે પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ
(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગણાતું ગોધરા શહેરની અંદાજિત કુલ વસ્તી ૨.૫૦ લાખની આસપાસ છે.ત્યારે ગોધરા શહેરમાં હાલ વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેમાં ગાંધીચોક ચર્ચ થી લઈ પ્રભા રોડ સુધીનો ઓવર બ્રિજ,હેડ ક્વાટર થી લઈ બહારપુરા માતાજીના મંદિર સુધીનો ઓવર બ્રિજ,શહેરા ભાગોળ ખાતે અંડર પાસ, દશામાં ફાટક ખાતે અંડર પાસ વગેરેના વિકાસના કામો જોરશોરથી શરૂ થઈ ચૂક્યા છે.
ત્યારે આ બધાની વચ્ચે ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ ને તાજેતરમાં જ ટ્રાફિક ની સમસ્યા નું કારણ આપી ભુરાવાવ ખાતે ખસેડવામાં આવ્યું છે.જેના કારણે લાલબાગ બસ સ્ટેન્ડની આજુબાજુની સ્થાનિક નાના દુકાનદાર, વેપારીઓ અને ધંધાદારીઓ ની હાલત દયનીય સાથે કફોડી બનવા પામી છે.
કારણ કે ગોધરા શહેરમાં લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તાર મુસાફરો અને લોકોની ચહલપહલ વાળો વિસ્તાર હતો.અહિયાંથી લોકો પોતાની જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ આસાનીથી ખરીદી શકતા હતા.શહેરના મધ્યમાં આવેલો આ વિસ્તાર હોવાથી લોકોને અનેક રીતે સુગમતા પણ રહેતી હતી.
ત્યારે હાલ ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ ને ભુરાવાવ ખાતે ખસેડવામાં આવતા લોકોની અને મુસાફરોની મુશ્કેલીઓ માં વધારો થવા પામ્યો છે.ત્યારે સ્થાનિક લોકો,નાના દુકાનદારો,વેપારીઓ અને ધંધાદારીઓ માં પણ ગણગણાટ છે કે જ્યારે ભુરાવાવ યોગેશ્વર થી હોટલ અતિથિ સુધીનો રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો.ત્યારે તો કોઈ ટ્રાફિક ની સમસ્યા કોઈને નડતી ના હતી.
અને ત્રણ વર્ષમાં આ જ જગ્યાએ બ્રિજ નું નિર્માણ કરી દેવામાં આવ્યું.ત્યારે હવે ગાંધી ચોક,ચર્ચ થી લઈ પ્રભારોડ તેમજ પોલીસ હેડ ક્વાટર થી લઈ બહારપુરા માતાજીના મંદિર સુધીનો ઓવર બ્રિજ બનાવવાની કામગીરીમાં ક્યાં ટ્રાફિક ની સમસ્યા ઉદભવવાની છે.ગોધરા ભુરાવાવ વિસ્તારમાં હાલ નવીન હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું છે.
ત્યાં તેની આજુ બાજુમાં પણ કોઈ એવી જગ્યા નથી કે સ્થાનિક દુકાનદાર, વેપારીઓ છાપરું કે લાકડાના લારી ગલ્લા નાખી વ્યવસાય કરી શકે અને પોતાનું જીવન ગુજરાન રોજગાર ચલાવી શકે.કારણ કે ભુરાવાવ વિસ્તારમાં બસ સ્ટેન્ડ ખસેડવામાં આવ્યું એ પહેલા કેટલાક ધંધાદારીઓ એ બસ સ્ટેન્ડની પ્રીમાઇસીસ ની બહાર નાના પાન લારીના ગલ્લા વ્યવસાય માટે મૂક્યા હતા.
તેને પણ ગોધરા નગર પાલિકાના અધિકારીઓ ધ્વારા બુલડોઝર ધ્વારા હટાવી દેવામાં આવ્યા છે.જે કાર્યવાહી પાલિકાએ પોતાના ફરજના ભાગરૂપે કરી.પણ હવે આ જ સમસ્યામાંથી પંચમહાલ જિલ્લાના મોટા નેતાઓ,પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર ના અધિકારીઓ તેમજ ગોધરા નગરપાલિકાના સતાધીશો અને અધિકારીઓ જ સ્થાનિક નાના દુકાનદાર વેપારીઓ અને ધંધાદારીઓ ઉગારી શકે છે તેવી મિટ માંડી બેઠા છે.
તો હાલ ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ ને ભુરાવાવ ખાતે ખસેડવામાં આવતા આ વિસ્તારના સ્થાનિક નાના દુકાનદાર, વેપારીઓ અને ધંધાદારીઓ ની કમર તૂટી જવા પામી છે.તો ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ ના આજુબાજુના તમામ નાના દુકાનદાર,વેપારીઓ અને ધંધાદારીઓ ની પંચમહાલ જિલ્લાના મોટા નેતાઓ અને પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર ના અધિકારીઓ પાસે માત્ર એક જ આશા રાખી બેઠા છે કે આ મામલે યોગ્ય પગલા લેવામાં આવે.