આમોદમાં જંબુસરના પ્રાંત અધિકારીની ગાડીને અક્સ્માત થતાં ટ્રાફિકજામ સર્જાયો

(પ્રતિનિધિ)ભરૂચ, આમોદ ચાર રસ્તા ઉપર જંબુસરનાં પ્રાંત અધિકારી જંબુસરથી આમોદ તરફ઼ આવી રહ્યા હતા ત્યારે ડમ્પર સાથે પ્રાંત અધિકારીની ગાડીનો અક્સ્માત થતાં ભારે ટ્રાફીક સર્જાયો હતો.બનાવને પગલે આમોદ પોલીસ તુરંત ઘટના સ્થળે આવી ગઈ હતી અને ટ્રાફિકને હળવો કર્યોં હતો.
તેમજ આમોદ મામલતદારની ગાડી પણ ઘટના સ્થળે આવી પહોચી હતી.જંબુસરના પ્રાંત અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગુલી પોતાની સરકારી બોલેરો ગાડી લઈને જંબુસરથી આમોદ તરફ આવી રહ્યા હતાં ત્યારે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવતા અક્સ્માત સર્જાયો હતો.જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ અક્સ્માતનાં પગલે ટ્રાફીક જામ સર્જાયો હતો.
આમોદનાં મુખ્ય ચાર રસ્તા ઉપર પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત થતાં લોકો અકસ્માત જોવા ઊમટી પડયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નેશનલ હાઇવે નં.૬૪ ભારદારી વાહનોની અવરજવરથી ચોવીસ કલાક ટ્રાફીકથી ધમધમતો રહે છે અને વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાય છે.
આ ઉપરાંત આમોદ ચાર રસ્તા ઉપર આમોદથી ભરૂચ પેસેન્જરમા ફરતી ગાડીઓ અને આમોદ થી જંબુસર પેસેન્જર ગાડીઓ રોડ ઉપરથી પેસેન્જર લેતા રહે છે.તેમજ કેટલીક ખાનગી ગાડીઓ અને બાઈકો પણ આડેધડ રોડ પર ર્પાકિંગ કરે છે.
આમોદ ચોકડી ઉપર સતત ત્રાફિક રહેતો હોવા છતાં પોલીસ પોઇન્ટ કે કોઈ સ્થાયી ટ્રાફિક જમાદાર મુકવામાં પોલીસ તંત્ર વામણું પુરવાર થયુ છે.આમોદ ચાર રસ્તાનો ટ્રાફિક ટી.આર.બીના જવાનો ઉપર આધારિત રહે છે.