Western Times News

Gujarati News

‘ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ’ : કચ્છમાં આવેલી ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરીટેજ સાઈટ’

પ્રતિકાત્મક

ગુજરાતમાં જૈવવિવિધતાના સંરક્ષણ, વિકાસ અને નિયમન અર્થે  રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૬માં રચાયું ‘ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ’

Ahmedabad, ગુજરાતમાં જૈવવિવિધતાનું સંરક્ષણ, સંવર્ધન અને નિયમન કરવા માટે ૨૦૦૬માં રાજય સરકારે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં જૈવવિવિધતાની જાળવણી અર્થે રચાયેલા આ બાયોડાયવર્સિટી બોર્ડની રચના બાદ આ બોર્ડ દ્વારા અનેક મહત્વની સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષ ૨૦૨૫માં ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરીટેજ સાઈટ તરીકે કચ્છના ‘ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ’ જાહેર કરવામાં આવી છે.

કચ્છના લખપત તાલુકામાં આવેલી અને ૩૨.૭૮ હેક્ટરમાં ફેલાયેલી આ અનોખી નોન-ટાઇડલ મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ ધરાવતી ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઈટના આ વિસ્તારને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ (BHS) તરીકે જાહેર કરવામાં આવી છે. આ સાઈટ તેની વિશિષ્ટ જૈવવિવિધતા અને પર્યાવરણીય મહત્વની પરિણામે રાજ્યના જૈવવિવિધતા સંરક્ષણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સાઈટની જાળવણી માટે સ્થાનિક સમુદાયોને જૈવવિવિધતાના સંરક્ષણમાં સામેલ કરવામાં આવે છે, જે પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક વિજ્ઞાનનું સંયોજન કરે છે.

અનોખી ઈકોસિસ્ટમ ધરાવતી ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઈટની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો, ગુનેરી મેન્ગ્રોવ દરિયાકાંઠેથી દૂર, દરિયાઈ ભરતીની અસર વિનાનું ઇનલેન્ડ (અંતર્દેશીય) મેન્ગ્રોવ જંગલ છે, જે તેને ભારતમાં અનોખું બનાવે છે. આ વિસ્તારમાં એવિસેનિયા મરીના (Avicennia marina) પ્રજાતિના મેન્ગ્રોવ્સ મુખ્ય છે, જે ખારા પાણીના વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.

આ ઇકોસિસ્ટમ ખારા-મીઠા પાણીના મિશ્રણ પર નિર્ભર છે, જે કચ્છના રણના વિશિષ્ટ ભૂસ્તરીય વાતાવરણમાં રચાય છે. ગુનેરીની આ સાઈટ ઉપર ૨૦ સ્થળાંતરી અને ૨૫ રહેવાસી પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ફ્લેમિંગો, હેરિયર, અને અન્ય જળપક્ષીઓનો સમાવેશ થાય છે. જ્યારે નાના સસ્તન પ્રાણીઓ, સરિસૃપો, અને જળચર જીવો પણ આ વિસ્તારમાં જોવા મળે છે. અહિંયા મેન્ગ્રોવ્સ ઉપરાંત, અન્ય ખારાશ-સહનશીલ વનસ્પતિઓ જેવી કે સૂઆઇડા અને સાલ્વાડોરાનો આ વિસ્તારની જૈવવિવિધતામાં મહત્વનો ફાળો રહેલો છે.

પર્યાવરણીય દ્રષ્ટીએ આ સાઈટનું અનેરૂ મહત્વ રહેલું છે. અહિંયા જોવા મળતાં મેન્ગ્રોવ્સ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે. મેન્ગ્રોવના મૂળ ખાસ કરીને કચ્છના રણ જેવા નાજુક વિસ્તારોમાં જમીનનું ધોવાણ અટકાવે છે.

ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઈટની અગત્યતાને ધ્યાન લઈ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ૨૦૨૫માં ગુનેરીને તેની અનોખી જૈવવિવિધતા અને પર્યાવરણીય મહત્વને કારણે બાયોડાયવર્સિટી હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરી આ વિસ્તારમાં મેન્ગ્રોવ વૃક્ષોનું વાવેતર, જૈવવિવિધતાનું દસ્તાવેજીકરણ, અને સ્થાનિક સમુદાયો સાથે સહયોગ કરીને સંરક્ષણ કાર્યો કરવામાં આવી રહ્યા છે.

ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુજરાતની જૈવવિવિધતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે દર્શાવે છે કે રણ જેવા શુષ્ક વાતાવરણમાં પણ મેન્ગ્રોવ્સ ખીલી શકે છે. વૈજ્ઞાનિક સંશોધન, ઇકો-ટુરિઝમ, અને પર્યાવરણીય શિક્ષણ માટે આદર્શરૂપ એવા આ વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા બાયોડાયવર્સિટી હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે ગુજરાત સરકારની જૈવવિવિધતા સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.