અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલા પ્રવાસીઓનું થર્મલ ચેકિંગ
ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે રાજય સરકાર સતર્કઃ હેલ્પ લાઈન શરૂ કરાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનમાં ફેલાયેલા વાયરસ કોરોનાના કારણે વિશ્વભરના દેશોમાં ફફડાટ ફેલાયેલો છે. જીવલેણ આ વાયરસનો પ્રતિકાર કરવા માટે અનેક દેશોના વૈજ્ઞાનિકોએ દવાના સંશોધન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પરિસ્થિતિમાં ચીનમાં અનેક લોકો ફસાયેલા છે ગુજરાતના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ તથા નાગરિકો હજુ ચીનમાં જ હોવાથી તેઓને પરત લાવવા માટે ગુજરાત સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે અને આ માટે હેડલાઈન પણ શરૂ કરી દીધી છે બીજીબાજુ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે અમદાવાદ એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તમામ વિદેશથી આવેલા પ્રવાસીઓને જાતે જ ફોર્મ ભરી એરપોર્ટ પર હાજર તબીબી ટીમને આપવાનો આદેશ કરાયો છે અને ત્યારબાદ આ તમામ પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવશે સાથે સાથે અમદાવાદ શહેરની સિવીલ હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે.
ચીનમાં હાહાકાર મચાવવી રહેલ કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. અને અનેક ગુજરાતીઓ ચીનમાં રહેતા હોવાને કારણે ચીનમાં ફસાયેલા ગુજરાતીઓના પરિવારજનો ભારે ચિંતીત છે. આ પરિવારજનોએ રાજ્ય સરકાર તથા કેન્દ્ર રસકારને એમના બાળકોને દેશમાં પરત લાવવા વ્યવસ્થા કરવા અપીલ કરી રહ્યા છે.
કોરોના વાયરસ વચ્ચે આજે ચીનથી દસ ગુજરાતીઓ પરત ફર્યા હોવાનું જાણવા મળે છે. આવનાર દસેય ગુજરાતીઓને હાલમાં “ઓબ્ઝર્વેશન’ માં રખાયા છે. દરમ્યાનમાં જાણવા મળી રહ્યુ છે કે ચીનના નાનચંગ એરપોર્ટ પર ૩ વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા છે. તેમની તબીબી તપાસ દરમ્યાન વિદ્યાર્થીઓને શરીરનું તાપમાન ૩૭ માલુમ પડતા તેમને મેડીકલ ચેકઅપ માટે હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા છે. ૩ વિદ્યાર્થીઓના નામ છે (૧) હસુ અમરીષ સાચાપરા (ર) મીત મારડીયા (૩) નવનીત બારોટના નાજપેગમાં કોરોના વાયરસના ૩૦ પોઝીટીવ કેસો મળી આવ્યા છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર હાલમાં ચીનમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે. સૌરાષ્ટ્રના ર૦૦ વિદ્યાર્થીઓ તેમાં રાજકોટના ૧પ૦ જેટલા વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળે છે. ચીનના વુહાનમાં પ૦ જેટલા પોઝીટીવ કેસો મળી આવ્યા છે. ચીનમાં કોરોના વાયરસથી ૧૩ર વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે.
ચીનમાં અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ જે અભ્યાસ માટે ગયા છે. તેમને પરત ભારત લાવવા માટે રાજ્ય સરકારે કેન્દ્રીય વિદેશ મંત્રીને અપીલ કરી છે. ગુજરાતીઓને બચાવા’ની અપીલો વચ્ચે રાજ્ય સરકારના જયંતિ રવિએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસના એકપણ કેસ જણાયો નથી. એરપોર્ટ પર તકેદારીના પગલાંરૂપે આવતા પ્રવાસીઓ ખાસ કરીને ચીનથી આવતા પ્રવાસીઓના મેડીકલ ચેકઅપ માટે બે ડોક્ટરો સાથેની ટીમો એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી છે.
તેમજ સરકારી હોસ્પીટલોમાં આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ખાસ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી રહી છે. જેના નંબરો છે. ૦૭૯-ર૩રપ૧૯૦, ૦૭૯-૯૯૭૮૪૦પ૭૪૧. ચીનમાં ફસાયેલા બધાને જલ્દી ભારત પરત લવાશે. વિદેશમંત્રી જયશંકરે આપેલ ખાતરી હાલમાં વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી ચાલુ છે. સુરત, રાજકોટ, જૂનગાઢ વગેરેવિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે.