સાબરમતી સેન્ટ્રલ જેલમાં સતત બીજા દિવસે વધુ ચાર મોબાઈલ ફોન મળ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક ખૂંખાર ગુનેગારો સજા કાપી રહયા છે જેલમાં કેદીઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જેના પગલે પ્રત્યેક કેદી ઉપર સીસીટીવી કેમેરા મારફતે ગતિવિધિ નીહાળવામાં આવે છે
આ દરમિયાનમાં શંકાસ્પદ હિલચાલ ધરાવતા કેદીઓની જડતી પણ લેવામાં આવતી હોય છે આ દરમિયાનમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત વિશાલ ગોસ્વામીનું ખંડણીનું નેટવર્ક પકડાતા જેલ સત્તાવાળાઓ ચોંકી ઉઠયા છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન ક્યાંથી આવ્યા તે મુદ્દે જેલ સત્તાવાળાઓની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા હતાં જેના પગલે છેલ્લા કેટલાક દિવસથી જેલમાં ઓપરેશન ક્લીન શરૂ કરવામાં આવ્યું છે.
સોમવારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં ચાર મોબાઈલ ફોન અને એક ચાર્જર મળી આવ્યું હતું જાકે આ તમામ ફોન બિનવારસી હોવાથી તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. મંગળવારે પણ જેલ સત્તાવાળાઓએ ચાર મોબાઈલ ફોન શોધી કાઢયા હોવાનું જાણવા મળી રહયું છે.
જેમાં કાચા કામના કેદી ચેતન રાવલ પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેલ સત્તાવાળાઓએ આ તમામ મોબાઈલ ફોન એફએસએલમાં મોકલી આપ્યા છે. જયારે આ અંગેની જાણ રાણીપ પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓએ ચેતન રાવલની પુછપરછ કરી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલ સત્તાવાળાઓ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ક્લીનના મુદ્દે કેદીઓએ ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખેલા મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં ફેંકવા લાગ્યા છે જયારે કેટલાક ગુનેગારોએ આવા મોબાઈલ ફોન દાટી દીધા છે. સોમવારે ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા ત્યારબાદ સતત બીજા દિવસે કરાયેલા સર્ચ ઓપરેશનમાં ચાર મોબાઈલ ફોન મળી આવતા જેલ સત્તાવાળાઓ ચોંકી ઉઠયા છે.