ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓની જમીન નામે કરવા સંદર્ભે મુખ્ય શિક્ષકોની મિટીંગ યોજવામાં આવી

Surat, ઓલપાડ તાલુકાની ૧૦૫ સરકારી પ્રાથમિક શાળાઓની જમીનનાં ૭/૧૨ અને ૮/અ નાં ઉતારા એકત્રિત કરવા સહિત શાળાની જમીન નામે કરવા અંગેની એક માર્ગદર્શન મિટીંગનું આયોજન અત્રેનાં તાલુકા પંચાયત સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલનાં અધ્યક્ષપણા હેઠળ મળેલ આ મિટીંગમાં તમામ શાળાઓનાં મુખ્યશિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની જમીન નામે કરવા અંગેની તજવીજ હાથ ધરવા બાબતે સુરત જિલ્લાની પણ તમામ પ્રાથમિક શાળાઓની જમીન નામે કરવા માટે ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરૂણકુમાર અગ્રવાલે સૂચના આપી હતી, જેને પગલે પ્રાથમિક શાળાઓનાં ૭/૧૨ અને ૮/અ નાં ઉતારા સહિતની વિગતો સત્વરે એકત્રિત કરી દેવા માટે મિટીંગમાં મુખ્યશિક્ષકોને તાકીદ કરવામાં આવી હતી.
સદર મિટીંગનાં અનુસંધાને બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયાએ સરકારી પ્રાથમિક શાળાઓ જમીન ગૌચર, સરકારી પડતર, ગામતળ, જંગલ વિભાગ કે સરકારનાં અન્ય કોઈ વિભાગ અથવા સંસ્થાનાં નામે હોય તો જમીનમાં માલિક કબજેદાર તરીકે સંબંધી પ્રાથમિક શાળાનું નામ દાખલ કરવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
પ્રારંભે આકસ્મિક અવસાન પામેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં ધર્મપત્ની સ્વ. શિલ્પાબેનનાં આત્માની ચિર શાંતિ અર્થે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા ઈન્ચાર્જ બીટ નિરીક્ષક ભરતભાઈ ટેલર ઉપસ્થિત રહ્યાં હતાં.