ગુજરાતની પ્રથમ આર્ચરી ખેલાડી બની, ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી નડિયાદ અને દેશનું નામ રોશન કર્યું

3જી આંતરરાષ્ટ્રીય આર્ચરી ટુર્નામેન્ટમાં તાલીમાર્થી દીકરીનો ઉત્કૃષ્ટ દેખાવ..
નડિયાદ ની એક હાઇસ્કુલની ધોરણ 12ની વિદ્યાર્થિની નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આર્ચરી એકેડેમીમાં તાલીમ લઈ રહેલ પ્રતિભાશાળી આર્ચરી ખેલાડી મૈત્રી પઢિયારે વિશેષ પ્રસિદ્ધ મેળવી છે. તેણીએ 15 મે 2025થી 20 મે 2025 દરમિયાન ટેશકેન્ટ સિટી (ઉઝબેકિસ્તાન) ખાતે આયોજિત અલ્પોમિશ અને બાર્ચિનોય 3જી આંતરરાષ્ટ્રીય આર્ચરી ટુર્નામેન્ટમાં 2 મેડલ જીતીને નડિયાદ અને સમગ્ર ગુજરાત તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે.
આ દીકરી મૈત્રીએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તાબા હેઠળ આવતા નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આર્ચરી રમતના કોચ ઓમપ્રકાશ , સંદીપ જયસ્વાલ , મહેન્દ્રસિંહ સરદાર અને પાયલ રાઠવાના નેજા હેઠળ આર્ચરીની પ્રેક્ટિસ કરી રહી છે. મૈત્રી પઢિયાર મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધોતા ગામની વતની છે .
તેણે આર્ચરી રમતની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા ચાલતી ડી.એલ.એસ.એસ યોજના અંતર્ગત હિંમતનગરથી કરી હતી અને તેઓના પાયાના કોચ હરિશ્ચંદ્ર રાઠવાના માર્ગદર્શન હેઠળ આર્ચરીની પ્રેક્ટીસ શરૂ કરી હતી અને વર્ષ 2022માં તેઓનું પ્રદર્શન જોઈ નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પસંદગી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી મૈત્રી પઢિયાર ગુજરાતની સૌથી યુવા વયે મેડલ મેળવનાર ગુજરાતની પ્રથમ આર્ચરી ખેલાડી બની ચૂકી છે. આ સિદ્ધિ મેળવવા બદલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ઇન્ચાર્જ તેમજ ખેડા જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનસુખ તાવેથીયા શુભેચ્છાઓ પાઠવી હતી.