બે મહિલાઓ ચેઈન સ્નેચીંગના રવાડે કેવી રીતે ચઢી ગઈ? આખરે LCBના હાથે ઝડપાઈ

ભરૂચમાં બનેલ ચેન સ્નેચિંગના ગુનામાં એલસીબીએ બે મહિલાઓની અટકાયત કરી-સોનાની ચેન અને મોપેડ મળી રૂ. ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ ૩ વોન્ટેડ ઈસમોને ઝડપી પાડવા કવાયત
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર બનેલી ચેઈન સ્નેચિંગની ઘટનામાં એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી બે મહિલા આરોપીઓની ધરપકડ કરી હતી.તેમની પાસેથી દોઢ તોલાની સોનાની ચેન અને ગુનામાં વપરાયેલું મોપેડ સહિત કુલ રૂ.૧,૮૩,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.જયારે એની ત્રણ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૧૯ મી મે ના રોજ સાંજના સમયે ભરૂચના હરિહર કોમ્પલેક્ષ નજીકથી મોપેડ પર આવેલ બે અજાણ્યા ઈસમોએ મહિલાના ગળા માંથી સોનાના પેન્ડલ સાથે ચેન તોડી ફરાર થઈ ગયા હતા જે બાબતની સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.ફરાર બંને આરોપીને ઝડપી પાડવા એલસીબીના પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ દરમ્યાન સીસીટીવી ફૂટેજથી મોપેડ નંબર જીજે ૧૬ સીસી ૨૦૨૧ શોધી કાઢવામાં આવ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું કે મોપેડ ભરૂચના ફાટાતળાવ વિસ્તારના સલમાન ગુલામ રસુલ શેખનું છે.તેના સાથીઓમાં મોહસીન રફીક અંસારી (જુહાપુરા, અમદાવાદ) અને ફૈઝાન ઉર્ફે પંડિત સામેલ હતા.ગુના બાદ તેઓ ચોરીની ચેન સલમાનની માતા અને પત્નીને આપીને ફરાર થઈ ગયા હતા.
પોલીસે સલમાનની માતા ફાતેમા અને પત્ની તનવીરાની અટકાયત કરી હતી.બંનેની પૂછપરછમાં તેમણે ગુનો કબૂલ્યો હતો અને મહિલાઓએ જણાવ્યું કે સલમાન વારંવાર ચોરીના ગુનાઓમાં સંડોવાય છે અને ચોરીની વસ્તુઓ ઘરે વેચવા મૂકી જાય છે.
એલસીબી પોલીસે બંને મહિલાઓ સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કર્યો છે. મુખ્ય આરોપી સલમાન ગુલામ રસુલ શેખ, મોહસીન રફીક અંસારી અને ફૈઝાન ઉર્ફે પંડિત હજુ ફરાર છે તેમની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.