Western Times News

Gujarati News

ઓનલાઈન ગેમમાં રૂપિયા હાર્યો હોવાથી યુવાને જ્વેલર્સની દૂકાનમાં લૂંટ ચલાવી

(પ્રતિનિધિ) ભરૂચ, વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઈસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાંખ્યા હતા. જો કે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફરી હતી. પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના કલાકોમાંજ એક ઈસમને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી.

પોલીસે કરેલ કામગીરીની ચારેકોરથી પ્રસંશાઓ થઈ રહી છે. વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનીની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. લૂંટને પગલે વાગરા પંથકમાં સોંપો પડી ગયો હતો. ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી.

વાગરા પી.આઈ એસ.ડી ફુલતરીયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતુ.પોલીસે સોનુ લૂંટી ફરાર થનાર લૂંટારું કઈ દિશામાં ભાગ્યો છે? એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી.

પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિ ઉ.વ ૩૦ ને શંકાના આધારે ઝડપી પાડ્‌યો હતો. વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્‌યો હતો. અને તેણે વાગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. અને જણાવ્યું હતું, કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સત્તાના રવાડે ચડી જતા દશ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.

જેને પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા બજારમાં આવેલ ઓમ ઝવેલર્સ નામની સોનીની દુકાનને નિશાન બનાવી હતી. સોનીની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત ૩.૬૫ લાખ તેમજ મોટરસાઇકલ અને મોબાઈલ મળી કુલ ૪.૩૫ લાખનો મુદ્દમાલ પોલીસે કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ કરી આરોપીનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી. હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની પણ મદદ મેળવી હતી. સતત પેટ્રોલિંગ, ઝ્રઝ્ર્‌ફ એનાલિસિસ તેમજ અંગત સૂત્રોની મદદ બાદ આખરે આરોપી સુધી પહોંચવામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.

પોલીસે રોજા ટંકારીયા ખાતેથી રાકેશ જશુભાઈ પ્રજાપતિ નામના ઇસમની અટકાયત કરી હતી. પોલીસે આરોપીની યુક્તિપ્રયુક્તિથી ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્‌યો હતો. અને કેફિયત આપતા જણાવ્યું હતું, કે તે પોતે રોજા ટંકારીયા ગામનો રહેવાસી છે. અને કંપનીમાં નોકરી કરે છે.તે ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી રૂપિયા હારી ગયો હતો.

અને દેવું થઈ ગયું હતું. જેથી તેણે લૂંટનો પ્લાન ઘડ્‌યો હતો. અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ તપાસ હાથધરી હતી.

વાગરા જવેલર્સની લૂંટના બનાવમાં સોનીની બેદરકારી પણ સી.સી.ટી.વી. માં સ્પષ્ટ નજરે પડી હતી. જેને લઈને લૂંટારું સોનાના દાગીના લૂંટવામાં સફળ રહ્યો હતો. આ બાબતની ગંભીરતાને લઈ જંબુસર ડી.વાય.એસ.પી એ સમસ્ત વેપારી સમાજને સતર્ક રહેવા જણાવ્યુ હતુ. અને ચોકસાઈ કરી જો કોઈ શંકાસ્પદ જણાય તો પોલીસનો સંપર્ક કરવા આહવાન કર્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.