રણબીર કપૂર અને વિકી કૌશલે ‘લવ એન્ડ વાર’ માટે વજન ઘટાડ્યું

મુંબઈ, રણબીર કપૂર અને વિકી કૌશલ હાલ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વાર’માં કામ કરી રહ્યા છે, તે તો જાહેર વાત છે, આલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં છે, ત્યારે હવે ભણસાલીની ફિલ્મના અને આ ત્રણ સ્ટાર્સના ફૅન્સ ફિલ્મની કોઈને કોઈ નવી માહિતીની રાહમાં રહે છે. ત્યારે હવે તાજેતરમાં એવા અહેવાલો આવી રહ્યા છે કે આ બંને કલાકારો ફિલ્મના પોતાના રોલ માટે શરીરમાં નોંધપાત્ર પરિવર્તન લાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
આ ફિલ્મ માટે બંને ૧૦થી ૧૫ કિલો વજન ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે. સુત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે ‘લવ એન્ડ વાર’ માટે રણબીરે ૧૨ કિલો વજન ઘટાડ્યું છે, જ્યારે વિકી કૌશલે ૧૫ કિલો વજન ઘટાડ્યું છે. આ ફિલ્મમાં આ બંને કલાકારો એટલા અલગ અવતારમાં જોવા મળશે કે દર્શકો તેમને પડદા પર જોઈને માની જ નહીં શકે.
જોકે, આ અંગે આથી વધુ કોઈ માહિતી મળતી નથી.થોડાં વખત પહેલાં રણબીરે મુંબઈની એક ઇવેન્ટમાં ફિલ્મ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આ ફિલ્મનો તેનો રોલ કોઈ પણ કલાકારના ડ્રીમ રોલ જેવો હશે. જેમાં તે આલિયા અને વિકી જેવા ટેલેન્ટેડ કલાકારો અને સંજય લીલા ભણસાલી જેવા ડિરેક્ટર સાથે કામ કરી રહ્યો છે. રણબીરે આ પહેલાં ૧૭ વર્ષ પહેલાં ભણસાલી સાથે કામ કર્યું હતું.
એ પણ તેણે યાદ કર્યું હતું. ભણસાલીના ડેડિકેશનના વખાણ કરતા તેણે કહ્યું હતું કે આટલી મહેનત કરતા અને પાત્રની લાગણીઓ, સંગીત અને ભારતીય સંસ્કૃતિને આટલી સારી રીતે સમજતા બીજા કોઈ ડિરેક્ટર્સ તેણે જોયા નથી.સાથે રણબીરે એવું પણ કબુલ્યું હતું કે ભણસાલી સાથે કામ કરો એટલે તમે ચોક્કસ થાકી જાઓ કારણ કે એમની પ્રક્રિયા લાંબી અને પડકારજનક હોય છે, પરંતુ અંતે એનું પરિણામ પણ એટલું જ સારું મળે છે.
તેણે કહ્યું હતું કે ભણસાલી કળાઓને ખરા અર્થમાં પોષે છે અને તેમના ફિલ્મના કલાકારોનો ફિલ્મનો અનુભવ ક્યારેય ન ભુલાય એવો બની જાય છે. આ ફિલ્મમાં રણબીર અને વિકીની એકબીજા સામે ટક્કર જોવા મળશે, જે આલિયાને મેળવવા માટેની લડાઈ હશે.
સુત્ર દ્વારા એવી પણ માહિતી મળી છે કે ભણસાલીએ ફિલ્મના કેટલાંક ભાગનું શૂટિંગ કરી પણ લીધું છે અને આ ત્રણેય કલાકારો સાથે કામ કરવામાં તેમને પણ મજા આવે છે. માર્ચ ૨૦૨૬ દરમિયાન ફિલ્મ રિલીઝ થાય એવી શક્યતા છે.SS1MS