Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સિક્યુરીટી પેટે ચુકવેલ રૂ.૬.૭૦ કરોડ પરત આપવા મેટનો નનૈયો

કોર્પોરેશન દ્વારા મહિને રૂ.૧૭ કરોડ ગ્રાંટ આપવામાં આવે છે છતાં સિક્યુરીટી પેમેન્ટ માટે મેટના ચેરમેન નિંદ્રાધીન

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને રાહતદરે સારવાર આપતી શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ નામશેષ કરી અમદાવાદ મેડીકલ એજયુકેશન ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.

વી.એસ. હોસ્પિટલ સાથે સંલગ્ન એન.એચ.એલ મેડીકલ કોલેજને પણ મેટમાં સામેલ કરવામાં આવી હતી તેમજ મેટ ના બેનર હેઠળ એસ.વી.પી. હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ મેડીકલ એજયુકેશન ટ્રસ્ટની રચના કરવામાં આવી તે વખતે એવી આશા હતી કે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને રાહતદરે જે સારવાર મળતી હતી તે યથાવત રહેશે તેમજ કોર્પોરેશનની તીજોરી પર વી.એસ.નું જે ભારણ આવતું હતું તેમાં ઘટાડો થશે.

પરંતુ આ તમામ આશા ઠગારી નીવડી છે અને એસવીપી (મેટ)ને ચલાવવા માટે કોર્પોરેશન દ્વારા દર મહિને કરોડો રૂપિયા ગ્રાંટ પેટે આપવામાં આવી રહયા છે. જયારે શરમજનક બાબત એ છે કે કોર્પોરેશને મેટ વતી ચુકવેલ સિકયોરીટીના રૂપિયા ૬ કરોડ કરતા પણ વધુ રકમ મેટ ના હર્તાકર્તાઓ પરત આપવાનું નામ પણ લઈ રહયા નથી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દોઢ દાયકા અગાઉ મેડીકલ એજયુકેશન ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી તથા તેને સ્વતંત્ર સંસ્થા જાહેર કરવામાં આવી હતી જેમાં ચુંટાયેલી પાંખનું કોઈ જ અÂસ્તત્વ રહયું ન હતું અને હાલ પણ પરિસ્થિતિ લગભગ તે મુજબ જ છે. મ્યુનિ. કમિશનર જ મેટ ના સર્વેસર્વા છે અને મેટ સંચાલિત એસવીપી હોસ્પિટલ પણ આઈએસ ઓફિસરોની મરજી મુજબ જ ચાલી રહી છે.

જયારે આ હોસ્પિટલ ચલાવવાનું ભારણ કોર્પોરેશનની તીજોરી પર આવે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મેટની રચના કરવામાં આવ્યા બાદ તેના તમામ ખર્ચ ચુકવવાની જવાબદારી મેટની રહે છે. પરંતુ મેટ સંચાલિત એએમસી ડેન્ટલ કોલેજ ખોખરા, એએમસી મેટ મેડીકલ કોલેજ તથા એએમસી યુજી હોસ્ટેલ ખાતે જે સિકયોરીટી ફાળવવામાં આવી હતી તેનો ખર્ચ કોર્પોરેશન દ્વારા ચુકવવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મેટ ને ગ્રાંટ આપવામાં આવે છે તેથી સિકયોરીટીનો ખર્ચ ભોગવવાની જવાબદારી મેટની રહે છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે સપ્ટેમ્બર ર૦૧ર થી માર્ચ ર૦૧૯ સુધી મેટ નો સિકયોરીટી ખર્ચ કોર્પોરેશને ચુકવ્યો છે જે રકમ કોર્પોરેશનને પરત આપવામાં આવી નથી કે તેને કોઈ ગ્રાંટ પેટે પણ દર્શાવવામાં આવી નથી.

મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસ કે જે સિકયોરીટીનો વિભાગ સંભાળે છે તેના દ્વારા પણ આ અંગે એએમસી મેટ ના ડાયરેકટરને પત્ર લખવામાં આવ્યા હતા જેને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં મેટ ના ચેરમેન હજી નિંદ્રાધીન છે.

મ્યુનિ. કોર્પોરેશને મેટ વતી જીઆઈએસએફએસ સિકયોરીટી સંસ્થાને રૂ.૬.૭૦ કરોડનું પેમેન્ટ ચુકવ્યું છે જે મેટ દ્વારા હજી સુધી પરત આપવામાં આવ્યું નથી. જો સુત્રોની વાત માનીએ તો મેટ દ્વારા આ રકમની ફિકસ ડીપોઝીટ કરવામાં આવી છે અને તેનું વ્યાજ પણ મેટની તિજોરીમાં જમા થઈ રહયું છે. જયારે કોર્પોરેશનના અધિકારીઓ પરસ્પર પત્ર લખી સંતોષ માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.