ગુજરાતના આ ૧૨થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહીઃ કંટ્રોલરૂમ શરુ કરવા CMની સૂચના

ગાંધીનગર, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૨૮ મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ૧૨થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આવતીકાલે શુક્રવારે એટલે કે ૨૩ મેથી ૨૫ મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ૨૬ મેના રોજ રાજ્યના ૧૫ જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ૫૦-૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂકાવવાની સાથે મેઘગર્જના થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ૨૭ મેના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ૨૮ મેના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કંટ્રોલરૂમ શરુ કરવા મુખ્યમંત્રીની સૂચના ઃભારે વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રીએ કંટ્રોલરૂમ શરુ કરવાની સૂચના આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક-સજાગ રહેવા આદેશ આપ્યા છે. યલો ઍલર્ટ વાળા જિલ્લામાં ૨૪ટ૭ કંટ્રોલરૂમ કાર્યરત કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જોર દિવસો પછી પણ યથાવત્ રહ્યું છે.
અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્્યતા દર્શાવતી સિસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાત કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.