જો આતંકવાદી પાકિસ્તાનમાં જ છે તો ત્યાં જ મારી નાખીશું: એસ. જયશંકરની ચેતવણી

તેમણે કહ્યું કે પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર કટ્ટરપંથી વિચાર ધરાવતા વ્યક્તિ છે
નવી દિલ્હી, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાનમાં જ્યાં પણ આતંકવાદીઓ છુપાયેલા હશે, તેમને ત્યાં જ મારી નાખવામાં આવશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર કટ્ટરપંથી વિચાર ધરાવતા વ્યક્તિ છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પના દાવાનો પર્દાફાશ કરતા તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન સીધી વાતચીત દ્વારા યુદ્ધવિરામ પર સંમત થયા હતા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે જો ૨૨ એપ્રિલે પહેલગામમાં જે પ્રકારની કાર્યવાહી આપણે જોઈ હતી તેનું પુનરાવર્તન થશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે.
જો આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા હશે, તો તેમના પર ત્યાં હુમલો કરવામાં આવશે. તેઓ જ્યાં પણ હશે, અમે તેમને ત્યાં જ નિશાન બનાવીશું. ઓપરેશન સિંદૂર ચાલુ રાખવું એ એક સંદેશ છે.
જયશંકરે એક મુલાકાતમાં કહ્યું હતું કે પહેલગામમાં થયેલો હુમલો પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પાછળનો હેતુ ધાર્મિક આધાર પર લોકોને નિશાન બનાવવાનો હતો. તેમણે કહ્યું કે આપણા ધર્મની જાણ થયા પછી, ૨૬ લોકોની તેમના પરિવારોની સામે હત્યા કરવામાં આવી.
મુનીરની વિચારસરણી ઉગ્રવાદી છેઃ ભારતના વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાનું નેતૃત્વ ઉગ્રવાદી ધાર્મિક વિચારસરણીથી પ્રેરિત છે.
તે માત્ર પ્રાદેશિક શાંતિ માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્થિરતા માટે પણ ખતરો બની ગયો છે. તેમણે કહ્યું કે ભારત આવી બર્બરતા સહન કરશે નહીં. સચોટ અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે.