રસ્તો પૂછવાનાં બહાને મહિલાને વિશ્વાસમાં લઈ ગાડીમાં સાધુવેશમાં બેઠેલા શખ્સોએ લૂંટી લીધી

AI Image
સાધુવેશમાં ફરતી ગેંગ મહિલાના રૂ.પ૦ હજારના દાગીના લૂંટી ગઈ
ગાંધીનગર, ગાંધીનગર પંથકમાં સાધુના વેશમાં એકલ દોકલ વ્યક્તિને લૂંટતી ગેંગનો ખોફ ફરીથી શરૂ થયો હોય એક પછી એક બનાવ સામે આવી રહ્યા છે. ચંદ્રાલા રોડ પર રસ્તો પુછવાના બહાને એક મહિલાને વિશ્વાસમાં લઈ રૂ.પ૦ હજારના દાગીના લૂંટી લઈ હોવાનો બનાવ ચીલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તેના આધારે પોલીસે કાર લઈને ફરતી સાધુગેંગ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર તાલુકાના ચંન્દ્રાલા ઉમા સંસ્કાર તીર્થના કમ્પાઉન્ડમાં રહેતા રેખાબેન વિનોદભાઈ રાખી કેરીનો વેપાર કરે છે. સોમવારે બપોરે તેમના પિતા ચંન્દ્રાલા ગામના બ્રીજ નીચે બેસવા ગયા હોવાથી રેખાબેન તેમને બોલાવવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે સર્વીસ રોડથી એક સફેદ કલરની કાર ચંન્દ્રાલા ગામના ચડતા બ્રીજના છેડે ઉમા સંસ્કાર તીર્થના મેઈન ગેટ સામે આવીને ઉભી રહી હતી તે વખતે કારના ડ્રાઈવરે રેખાબેનને બૂમ પાડીને બોલાવ્યા હતા
એટલે તેઓ કાર પાસે જઈને જોયું તો તેમાં ચાર શખ્સો બેઠેલા હતા. તે પૈકી બે શખ્સો સાધુના વેશમાં હતા તેમણે ગિયોડ અંબાજી મંદિરનો રસ્તો પુછયો હતો જેથી રેખાબેને રસ્તો બતાવતા હતા તે દરમિયાન એક સાધુએ ર૦૦ રૂપિયાની નોટ કાઢીને તેમના હાથમાં આપી કહ્યું કે, આ નોટ બેટા સાચવીને રાખજે અને પુજા કરજે તારે બહુ પૈસા આવશે, થોડીવાર પછી સાધુએ રેખાબેનને કહ્યું હતું કે હુ મંતરીને તને પાછા આપુ છું.
એટલે રેખાબેને વિશ્વાસમાં આવીને દાગીના કાઢીને સાધુના હાથમાં આપતા તેમને વાતોમાં રાખીને ગેંગ મોટા ચીલોડા તરફ કારમાં રફુચકકર થઈ ગઈ હતી. આ મુજબની ફરિયાદના આધારે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ઉકત મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતી દહેગામની મદારી ગેંગને પોલીસે ઝડપી પાડી હતી તે પછી લાંબા સમયથી પછી ફરીવાર સાધુના વેશમાં એકલ દોકલ વ્યક્તિને લૂંટતી ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે.