એપલના CEO કૂકને અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની ખુલ્લી ધમકી

એપલનો ફોન અમેરિકામાં જ બનાવો નહિં તો ૨૫% ટેરિફ-૨૦૨૪માં કંપનીના વૈશ્વિક આઈફોન શિપમેન્ટમાં તેનો હિસ્સો આશરે ૨૮% રહેવાનો અંદાજ હતો.
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર એપલના સીઈઓ ટિમ કૂકને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં વેચાતા આઇફોનનું ઉત્પાદન ફક્ત અમેરિકામાં જ થવું જોઈએ, ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં. આ સાથે, ટ્રમ્પે એપલ પર ઓછામાં ઓછા ૨૫% ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી.
ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું- મેં આ સંદર્ભમાં એપલના ટિમ કૂકને ઘણા સમય પહેલા જ જાણ કરી દીધી હતી. મને આશા છે કે અમેરિકામાં વેચાતા તેમના આઈફોન પણ ભારતમાં કે અન્ય કોઈ જગ્યાએ નહીં, પણ અમેરિકામાં જ બનાવવામાં આવશે. જો આવું નહીં થાય તો એપલે અમેરિકાને ઓછામાં ઓછા ૨૫% ટેરિફ ચૂકવવા પડશે.
૮ દિવસ અગાઉ, ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા અને તેના બદલે અમેરિકામાં આઈફોન બનાવવા કહ્યું હતું. રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહેલા ટ્રમ્પે કહ્યું કે એપલ અમેરિકામાં તેનું ઉત્પાદન વધારશે.
એપલના સીઈઓ ટિમ કૂકે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યુએસ માર્કેટમાં વેચાતા ૫૦% આઈફોન ભારતમાં બનાવવામાં આવે છે. કૂકે જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારત અમેરિકામાં વેચાતા આઇફોનનો મૂળ દેશ બનશે. એરપોડ્સ, એપલ વોચ જેવાં અન્ય ઉત્પાદનો પણ મોટેભાગે વિયેતનામમાં બનાવવામાં આવી રહ્યાં છે.
ચીનની સરખામણીમાં ઓછા ટેરિફ હોવાને કારણે કંપની ભારત અને વિયેતનામને પ્રાથમિકતા આપી રહી છે. ચીનમાં ઊંચા ટેરિફની સરખામણીમાં ભારત અને વિયેતનામથી થતી આયાત પર માત્ર ૧૦% ટેક્સ છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, એપલ લાંબા સમયથી તેની સપ્લાય ચેઇનને ચીનની બહાર ખસેડવા પર કામ કરી રહ્યું છે, જેથી તેના પરની નિર્ભરતા ઓછી થઈ શકે.
જો એપલ આ વર્ષના અંત સુધીમાં તેની એસેમ્બ્લી ભારતમાં શિફ્ટ કરે છે, તો ૨૦૨૬થી અહીં દર વર્ષે ૬ કરોડથી વધુ આઇફોનનું ઉત્પાદન થશે. આ હાલની ક્ષમતા કરતાં બમણું છે. હાલમાં આઇફોનના ઉત્પાદનમાં ચીનનું વર્ચસ્વ છે. ૨૦૨૪માં કંપનીના વૈશ્વિક આઈફોન શિપમેન્ટમાં તેનો હિસ્સો આશરે ૨૮% રહેવાનો અંદાજ હતો.
યુએસ માર્કેટમાં વેચાતા આઇફોનનું ઉત્પાદન ચીનની બહાર ખસેડવાથી કંપનીને ઊંચા ટેરિફ ટાળવામાં મદદ મળશે. એપલ ચીન પરની તેની નિર્ભરતા ઘટાડવા માગે છે. ભૂ-રાજકીય તણાવ, વેપાર વિવાદ અને કોવિડ-૧૯ લોકડાઉન જેવી સમસ્યાઓને કારણે કંપનીને લાગ્યું કે એક ક્ષેત્ર પર વધુપડતું નિર્ભર રહેવું યોગ્ય નથી.
આ સંદર્ભમાં ભારત એપલ માટે ઓછા જોખમવાળો વિકલ્પ સાબિત થઈ રહ્યું છે. ભારત ચીન કરતાં ઓછા ખર્ચે શ્રમ પૂરો પાડે છે, જે તેને આર્થિક રીતે વધુ આકર્ષક બનાવે છે. વધુમાં, સ્થાનિક રીતે ઉત્પાદન કરવાથી કંપનીને ઇલેક્ટ્રોનિક્સ પર ઊંચા આયાત ખર્ચ ટાળવામાં મદદ મળે છે.