વાવાઝોડામાં સપડાયેલી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાને એરસ્પેસની મંજૂરી ન આપી

નવી દિલ્હી, ૨૧ મેના રોજ દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર કરા પડવાને કારણે ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન પાઇલટે પાકિસ્તાનને તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી, જોકે પાકિસ્તાને ઈનકાર કર્યો હતો.
સૂત્રોએ ૨૨ મેના રોજ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે જ્યારે ઇન્ડિગો ફ્લાઇટ અમૃતસર ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે પાઇલટે થોડી ખલેલ અનુભવી હતી. ખરાબ હવામાનથી બચવા માટે તેણે લાહોર એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની પરવાનગી માગી.
લાહોર એટીસીએ પાઇલટને સ્પષ્ટપણે ના પાડી દીધી, જેના કારણે ફ્લાઇટને તેના નિર્ધારિત રૂટ પર આગળ વધવું પડ્યું. આગળ જતાં ફ્લાઈટ ભીષણ ટર્બ્યુલન્સની ઝપટમાં આવી ગઈ. ફ્લાઇટ જોરથી ધ્રૂજવા લાગી. ફ્લાઇટમાં ૨૨૪ લોકો સવાર હતા. જોરદાર આંચકાઓને કારણે બધા ચીસો પાડવા લાગ્યા.
પાઇલટે શ્રીનગર એટીસીને જાણ કરી અને ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું. લેન્ડિંગ પછી એવું જોવા મળ્યું કે ફ્લાઇટનો આગળનો ભાગ (નોઝ કોન) તૂટી ગયો હતો. ફ્લાઇટની અંદરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં લોકો તેમના જીવન માટે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. બાળકોના રડવાના અવાજો પણ આવી રહ્યા છે.
૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકોનાં મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. ૨૪ એપ્રિલના રોજ પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈક્ષેત્ર બંધ કરી દીધું. ભારતે પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું હવાઈક્ષેત્ર પણ બંધ કરી દીધું છે.