સરકારી હોસ્પિટલોમાં આઈસોલેસન વોર્ડ તૈયાર કરાયા

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના ર૦ કેસઃ કુલ ૩૧ એક્ટિવ કેસ
(પ્રતિનિધિ) અમદાવાદ, સિંગાપોર, મલેશિયા અને બેંગકોક બાદ કોરોનાએ ભારતમાં પણ રિ-એન્ટ્રી કરી છે. દેશના અનેક રાજયોમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે જેમાં ગુજરાત રાજયનો પણ સમાવેશ થાય છે.
રાજયના અમદાવાદ શહેરમાં કોરોનાની રિ એન્ટ્રીથી નાગરિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ર૦ તારીખ સુધી કોરોનાના ૧૧ કેસ કન્ફર્મ જોવા મળ્યા હતાં જયારે છેલ્લા ૪ દિવસમાં જ આ કેસનો આંકડો ૩૯ પર પહોંચી ગયો છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં ર૦ કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો જોવા મળ્યો છે. રરમી તારીખે એક સાથે જ ર૦ કેસ કન્ફર્મ થયા હતાં જેમાં ૮૪ વર્ષના એક વૃધ્ધનો સમાવેશ થાય છે આ ઉપરાંત ર૦ વર્ષની એક યુવતિ કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડતા સોલા સિવિલમાં દાખલ કરવામાં આવી છે. શહેરના તમામ વિસ્તારોમાંથી કોરોનાના કેસ બહાર આવી રહયા છે. ૧૪ થી ર૦ તારીખ સુધીમાં શાહ આલમ, વટવા, લાંભા વગેરે વિસ્તારમાં કોરોનાના કેસ કન્ફર્મ થયા હતાં જયારે છેલ્લા ચાર દિવસ દરમિયાન બોડકદેવ, થલતેજ, જોધપુર સહિતના વિસ્તારમાંથી પણ કોરોનાના કેસ કન્ફર્મ થઈ રહયા છે.
મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલુ મહિનામાં કોરોનાના કુલ ૩૯ કેસ નોંધાયા છે જે પૈકી ૮ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હાલ ૩૧ એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધુ ૧૦ એક્ટિવ કેસ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં છે.
એક પેશન્ટ સિવાય બાકીના તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્્યું છે. જેમાં અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસો વધ્યા છે. તેમાં કોરોનાની એન્ટ્રીથી ગાંધીનગર તંત્ર સજ્જ બન્યુ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલે સાવચેતીના પગલાં લીધા છે. બુધવાર સુધી રાજ્યમાં ૧૩ કેસ નોંધાયા હતા, જ્યારે આજે એક જ દિવસમાં કોરોનાના ૨૧ નવા કેસ સામે આવતા કુલ આંકડો ૩૪ પર પહોંચી ગયો છે. આ વધારો આરોગ્ય તંત્ર માટે ફરી એકવાર સાવચેતીનો સંકેત આપી રહ્યો છે.
ગુજરાતમાં અચાનક કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જાન્યુઆરીથી મે સુધીમાં કોરોનાના કુલ ૨૧ કેસ નોંધાયા છે. . જેમાંથી હાલ ૧૫ કેસ એક્ટિવ છે.
ત્યારે રાજ્ય સરકારે કહ્યું છે કે હાલ રાજ્યમાં ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તાર માંથી જ છે, જ્યાં ૩૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્યમાં ૧ કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ ૧ કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી સક્રિય બન્યું છે.
નડિયાદમાં એક ૮ મહિનાની બાળકી કોરોના સંક્રમિત આવી છે. બાળકી બિમાર થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાદમાં ડોક્ટર દ્વારા તેના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા હતા. જે પૈકી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મામલો આરોગ્ય વિભાગને ધ્યાને આવતા તત્કાલ બાળકીના પરીવારજનોને આઈસોલેટ કરાયા છે. સાથે જ તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા શંકાસ્પદ જણાતા તમામ દર્દીઓના કોરોના ટેસ્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.