Western Times News

Gujarati News

GCAS પોર્ટલ દ્વારા સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો માટે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 29 મે, 2025થી શરૂ થશે

અરજી સબમિટ કરી ચકાસણી પૂર્ણ કરવાની બાકી હોય તેવા તબક્કા-1ના વિદ્યાર્થીઓને 22 અને 23 મે, 2025ના રોજ SMS અને WhatsApp દ્વારા તેમની અરજીની ચકાસણી પૂર્ણ કરવા માટે સૂચિત કરવામાં આવ્યું

GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયાના તબક્કા-2 માટેની ઓનલાઈન નોંધણી 24 મે, 2025થી શરૂ થશે

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી માટે તબક્કા-૧માં અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧ મે, ૨૦૨૫ અને વેરીફીકેશનની છેલ્લી તારીખ ૨૩ મે, ૨૦૨૫ હતી. પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા.૨૯ મે, ૨૦૨૫થી શરૂ થશે. પ્રવેશના ચારેય રાઉન્ડની તારીખો GCAS પોર્ટલ પર ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીએ પ્રવેશના રાઉન્ડની જે-તે તારીખે GCAS પોર્ટલ પર તેમના લોગ-ઇનમાં જઈને તેમને ચોઈસ કરેલ યુનિવર્સિટી-કોલેજ-પ્રોગ્રામ-મુખ્ય વિષય પૈકી સંબંધિત યુનિવર્સિટી-કોલેજ દ્વારા મળેલ તમામ ઓફર્સ માંથી તેમને જેમાં પ્રવેશ મેળવવો હોય તે યુનિવર્સિટી-કોલેજ-પ્રોગ્રામ-મુખ્ય વિષયને પોર્ટલ પર OTPથી કન્ફર્મ કરી ઓફર લેટરની કોપી અને અસલ દસ્તાવેજો સાથે સંબંધિત યુનિવર્સિટી-કોલેજ ખાતે રૂબરૂ મુલાકાત કરીને તેમનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. વિદ્યાર્થી ઓફર લેટરમાં દર્શાવેલ તારીખો દરમિયાન તેનો પ્રવેશ કન્ફર્મ નહિ કરાવે તો તેનો હક-દાવો તે જગ્યા પર રહેશે નહિ જેની તેણે નોંધ લેવાની રહેશે.

જે વિદ્યાર્થીએ પ્રવેશના પ્રથમ તબક્કામાં અરજી સબમિટ કરી છે પરંતુ તેમને લાગુ પડતા કિસ્સા મુજબ અરજી વેરીફાઈ કરાવી નથી તેવા વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા તા.૨૨ મે, ૨૦૨૫ અને તા.૨૩ મે, ૨૦૨૫ના રોજ SMS અને WhatsApp દ્વારા વખતો વખત અરજી વેરીફાઈ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. તેમ છતાં તેઓ જો અરજી વેરીફાઈ કરાવી શક્યા નથી/કરાવી નથી તો તેઓ પ્રવેશના પ્રથમ તબક્કામાં ભાગ લઇ શકશે નહિ.

પરંતુ આવા વિદ્યાર્થીઓએ મુંઝાવાની જરૂર નથી. તેઓ પ્રવેશના આગામી તબક્કા-૨ દરમિયાન તેમની અરજી વેરીફાઈ કરાવી શકશે. આવા વિદ્યાર્થીઓની અરજી કરવાની પ્રવેશના તબક્કા-૨માં વેરીફાઈ કરાવ્યેથી પ્રવેશ માટે ધ્યાને લેવામાં આવશે.

પ્રવેશના તબક્કા-૨માં GCAS પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવા માટે તા.૨૪ મે, ૨૦૨૫થી ક્વિક રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. પ્રવેશના તબક્કા-૨ની સંપૂર્ણ ટાઈમલાઈન આગામી સમયમાં જાહેર કરવામાં આવશે તેવું ગુજરાત કોમન એડમિશન સર્વિસીસની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.