મનોરંજન માટે પાનાં રમવામાં કોઇ નૈતિક પતન નથીઃ સુપ્રીમ કોર્ટ

Files Photo
નવી દિલ્હી, કર્ણાટકની એક સહકારી મંડળીના સભ્યની ચૂંટણીને બહાલ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સટ્ટાબાજી અને જુગારના તત્વ વગર મનોરંજન માટે પત્તા રમવામાં કોઇ નૈતિક પતન નથી. દેશના મોટાભાગના વિસ્તારોમાં જુગાર અથવા સટ્ટાબાજીના તત્વ વગર પત્તાની રમતને ગરીબ માણસના મનોરંજનના સ્ત્રોત તરીકે સ્વીકારવામાં આવે છે.
ન્યાયાધીશ સૂર્યકાંત અને એન કોટિશ્વર સિંહની બનેલી ખંડપીઠે નોંધ્યું હતું કે સરકારી પોર્સેલેન ફેક્ટરી એમ્પ્લોયીઝ હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચૂંટાયેલા હનુમાનથરાયપ્પા વાય સીને રસ્તા પર પત્તા રમતા પકડાયાં હતાં અને કોઈ પણ કેસ ચલાવ્યા વગર રૂ.૨૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ખંડપીઠે જણાવ્યું હતું કે અરજકર્તાની આ ગેરવર્તણૂકને નૈતિક પતન માનવાનું મુશ્કેલ લાગે છે. એ વાત જાણીતી છે કે નૈતિક અધોગતિ શબ્દનો ઉપયોગ કાનૂની અને સામાજિક ભાષામાં એવા વર્તનનું વર્ણન કરવા માટે થાય છે, જે સ્વાભાવિક રીતે જ નીચ, અધમ, દુરાચાર હોય અથવા દુરાચાર સાથે કોઈ સંબંધ હોય.
કોઇ વાંધો ઉઠાવી શકે તેવી દરેક ક્રિયા હંમેશા નૈતિક પતન ગણવામાં આવે તે જરૂરી નથી. હનુમાનથરાયપ્પા કોઈ રીઢો જુગારી નથી તેવું નોંધીને ખંડપીઠે જણાવ્યું હતું કે પત્તા રમવાની ઘણી રીતો છે. એ સ્વીકારવું મુશ્કેલ છે કે આવી દરેક પ્રકારની રમતમાં નૈતિક પતનનો સમાવેશ થાય છે, ખાસ કરીને જ્યારે તે મનોરંજન સાધન તરીકે રમવામાં આવે છે.
હકીકતમાં આપણા દેશના મોટાભાગના વિસ્તારોમાં જુગાર અથવા સટ્ટાબાજીના તત્વ વગર પત્તાની રમતને ગરીબ માણસના મનોરંજનના સ્ત્રોત તરીકે સ્વીકારવામાં આવે છે.સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે હનુમાનથરાયપ્પા સહકારી મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સૌથી વધુ મતો સાથે ચૂંટાયાં હતાં અને તેમની ચૂંટણીને રદ કરવાની સજા તેમની કથિત ગેરવર્તણૂકની સરખામણીમાં વધુ પડતી છે.SS1MS