ચંડોળામાં કાટમાળ હટાવવા સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ

અમદાવાદ, અમદાવાદના મેગા ડિમોલેશનમાં ચંડોળા તળાવ ફરતે આવેલા ૧૨ હજાર કરતા વધુ નાના- મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ હવે કોર્પાેરેશન દ્વારા કાટમાળ હટાવવાની તથા તળાવને ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
કોર્પાેરેશન દ્વારા જેસીબી મશીન તથા ૧૦૦ જેટલા ટ્રકની મદદથી રોજનો ૨ હજાર ટનથી વધુનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત ૯૦ ટ્રકોમાં તળાવને ખોદીને માટી પણ કાઢવામાં આવી રહી છે.
આ માટીનો ગ્યાસપુર વનીકરણ પ્રોજેક્ટ માટે ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશન દ્વારા ચંડોળા તળાવ ફરતે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.
જેમાં પ્રથમ તબક્કામાં ૪ હજાર જેટલા નાના- મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા તબક્કામાં વધુ ૮૫૦૦ જેટલા મકાનો તોડી તળાવનો દબાણમુક્ત ભાગ ખુલ્લો કરવામાં આવ્યો છે.
આમ, બે તબક્કાની કામગીરીમાં જ ૧૨ હજાર કરતા વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ચંડોળામાં બાંધકામો તોડી પાડવામાં આવ્યા બાદ બીજા દિવસથી જ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે પ્રથમ તબક્કામાં જે મકાનો તુટ્યા હતા ત્યાં હાલમાં તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે.
ચંડોળા તળાવનો વિકાસ કરવાનું આયોજન કોર્પાેરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેના પગલે હાલમાં રોજના ૧૦૦ જેટલા ટ્રક દ્વારા ૨ હજાર ટન જેટલો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે.
તળાવમાં રહેલો કાટમાળ દુર કરવા સાથે તળાવને ઊંડું કરવા માટે માટી કાઢવામાં પણ આવી રહી હોવાનું જાણવા મળે છે. તળાવ ઉંડો કરતા જે માટી નિકળી રહી છે તેનો ઉપયોગ કોર્પાેરેશન દ્વારા ગ્યાસપુર ખાતેના વનીકરણ પ્રોજેક્ટમાં કરવામાં આવશે.
જ્યારે કન્સ્ટ્રક્શન વેસ્ટ અને ડિમોલેશન વેસ્ટને કોર્પાેરેશનના સીએન્ડડી વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડેક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
તળાવને ઊંડું કરવા માટે કોર્પાેરેશન દ્વારા ૪ જેસીબી, ૨૭ એક્સકેવેટર અને ૯૦ ટ્રક મુકીને તળાવના અમુક ભાગમાં અંદાજે ૧૫૩૧ સ્કે.મીટર ઉંડો ખાડો કરીને આંશરે ૯૧૮ ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આશરે ૧૧ લાખ ચો.મી. વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં ભુગર્ભજળનું સ્તર ઉંચુ આવશે. પર્યાવરણની દ્રષ્ટીએ અને અન્ય બાબતોને ધ્યાને રાખીને તળાવનો વિકાસ કરવાથી શહેર વધુ સ્વચ્છ, હરિયાળું અને સુંદર બનશે.SS1MS