તારો બાપ ભિખારી છે કહી પતિએ પત્ની અને પુત્રીને ઘરમાંથી કાઢી મૂક્યા

Files Photo
અમદાવાદ, ગોતામાં રહેતા પતિએ પત્ની અને દીકરીને ઘરમાંથી કાઢી મૂકતા પત્નીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ગોતા વંદેમાતરમ નજીક વેસ્ટર્ન પ્રાઈમ રહેણાકમાં રહેતા જયેશ દેસાઈ સ્પાના ધંધાર્થી છે. તેમના લગ્ન ૨૦૧૪માં ઘોડાસર આવકાર હોલ નજીક રહેતી યુવતી સાથે થયા હતા. આઠથી નવ વર્ષ સુધી દામ્પત્ય જીવન સારી રીતે ચાલતું હતું.
આ દરમિયાન જયેશ દેસાઈની પત્નીએ દીકરો અને દીકરીને જન્મ આપ્યો હતો. ૨૦૨૨ બાદ દંપતી વચ્ચે તકરાર થતા પતિ પત્નીની મારઝૂડ કરતો અને તું મા-બાપના ઘરેથી દહેજમાં કશું લાવી નથી, તારો બાપ ભિખારી છે કહી મારઝૂડ કરતો હતો.
દીકરીનું ઘર ન ભાંગે તે માટે પરિણીતાના પિતાએ જમાઈને ધંધો કરવા રૂપિયા ૧૫ લાખ આપ્યા હતા. આમ છતાં થોડા મહિના બાદ ધંધામાં બીજા રૂપિયાની જરૂરિયાત છે તારા પિતા પાસેથી રૂપિયા લઇ આવ કહીને પરિણીતા સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો.
પરિણીતાનો દિયર પણ અમારે બીજી ભાભી લાવવાની છે કહી મેણાં-ટોણાં મારતો હોવાનો પીડિતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યાે છે. ગત વર્ષે નવરાત્રિના સમયે પતિ, સસરા અને દિયરે ભેગા થઈને પુત્રવધૂ અને દીકરીને ઘરમાં કાઢી મૂકી હતી.
પતિએ દીકરાને પોતાની પાસે રાખી લીધો હતો. પરિણીતાએ ફરિયાદમાં પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું પણ જણાવ્યું છે. પરિણીતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ જયેશ દેસાઈ, સસરા લગધીર દેસાઈ અને જીગર લગધીર દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.SS1MS