વાપી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન તોડી પડાયા

(પ્રતિનિધિ) વાપી, વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર શ્રી ભવ્ય વર્મા તથા મનપાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીના સીધા માર્ગ દર્શન હેઠળ વાપી મહાનગર પાલિકા વિસ્તાર મા આવેલ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન તોડી પાડવામાં આવ્યા છે.
આ ગોડાઉનો રહેણાંક ઝોનમાં હતા અને રહેણાંક વિસ્તારની બાજુમાં હતા. છેલ્લા ૪ મહિનામાં ડુંગરી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની ઘણી ઘટનાઓ બની છે. તથા ભંગારના ગોડાઉનોના માલિકોએ જીપીસીબીની એન. ઓ. સી પણ લીધેલ નથી.
તેથી અનધિકૃત ભંગારના ગોડાઉનોના માલિકોને અંતિમ નોટિસ ફટકારી સ્વેચ્છાએ સદર ગોડાઉન દુર કરવા જણાવેલ પરંતુ તેઓ દ્વારા મનપાની આખરી નોટીસની અવગણના કરતા નોટિસ પિરીયડ પૂર્ણ થયા પછી
કોર્પોરેશને આવા જોખમકારક ૧૦૦ ઉપરાંત અનધિકૃત ભંગારના ગોડાઉનોને તોડી પાડ્યા છે.સદરહુ કામગીરી દરમ્યાન વાપી મનપાની ટાઉન પ્લાનીંગ તથા લાઈટ વિભાગના તેમજ ડીવાયએસપીશ્રી વાપી, મામલતદારશ્રી વાપી, પીઆઈશ્રી ડુંગરા તથા ડીજીવીસીએલ વિગેરે વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહી સદર ડીમોલેશનને સફળ બનાવેલ છે.