૨૮ યુગલોને લગ્નના દિવસે રઝળતા મૂકી પૈસા ઉઘરાવી ભાગી ગયેલો આરોપી આખરે ઝડપાયો

AI Image
રાજકોટઃ સમૂહલગ્ન કાંડનો આરોપી પૈસા ઉઘરાવીને રફુચક્કર થઈ જતા તેના સહિત ચાર લોકો સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
(એજન્સી) રાજકોટ, રાજ્યભરમાં ચકચાર મચાવનાર સમૂહ લગ્નનો મુખ્ય આરોપી અંતે ઝડપાયો. પોલીસ ગામોમાં ફાફા મારતી રહી અને આરોપી પોતાના જ ઘરે છુપાઈને બેસી રહ્યો હતો.
આ એ જ શખ્સ છે કે જેને સામે પાંચ દસ નહીં પરંતુ ૨૮ યુગલોને લગ્નના દિવસે રજડાવ્યા હોવાનો આરોપ છે. રાજકોટમાં ૨૨ ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન કાંડ થયો હતો. આ કાંડના મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની પ્રદ્યુમનનગર પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય સમયથી પોલીસ આરોપીને શોધી રહી હતી અને હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
પોલીસ દ્વારા આ આરોપીને ઝડપી પાડવા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે ભેજાબાજ ચંદ્રેશ છત્રોલા પોતાના જ ઘરે છુપાઈને બેસી રહ્યો હતો. સમૂહલગ્નની છેતરપિંડીની ઘટના બાદ આરોપી સુરત, નડિયાદ સહિતના સ્થળોએ નાસ્તો ફરતો હતો. આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓ પણ પકડાઈ ચૂક્્યા છે જ્યારે મુખ્ય આરોપી ફરાર હતો, જે આખરે પકડાયો છે.
મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા સહિત ચાર આયોજકો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં વર પક્ષ તેમજ કન્યા પક્ષ પાસેથી રૂપિયા લીધા હતા. ૨૮ જેટલા યુગલો લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. જોકે લગ્નના તમામ આયોજકોએ દિવસે ફોન બંધ કરી દીધા હતા. જેથી લગ્ન માટે પહોંચેલા વર પક્ષ અને કન્યા પક્ષના શુભ પ્રસંગને રઝળાવી નાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપીઓએ યુગલો પાસેથી લગ્નના પૈસા પણ વસૂલ કર્યા હતા તો દાતાઓ પાસેથી લાખોનું દાન અને કરિયાવર પણ વસૂલ કર્યું હતું. સવારે પાંચ વાગ્યે ફોન બંધ કરી ભાગી છૂટેલા ચંદ્રેશને આખરે પોલીસે પકડાયો હતો. ૨૮ યુગલો પૈકી ૧૧ યુગલોના લગ્ન પોલીસે કરાવ્યા હતા તેમજ દાતાઓએ પણ સહયોગ આપ્યો હતો.
જોકે પૈસા ઉઘરાવીને ચંદ્રેશ રફુચક્કર થઈ જતા તેના સહિત ચાર લોકો સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. લોકોમાં પણ આરોપી વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો.