ટ્રમ્પે પુતિનને પાગલ કહ્યાં બાદ રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલા વધાર્યાં

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વર્ષથી રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સમાધાન કરાવવાની જવાબદારી સ્વેચ્છાએ ઉપાડી હતી. ચપટી વગાડતાં જ યુદ્ધ પૂરું કરાવી દેવાની ટ્રમ્પની ડંફાસો બાદ રશિયાએ યુક્રેન પર બોમ્બમારો વધારી દીધો હતો. જેના કારણે ટ્રમ્પે પોતાના સ્વભાવ મુજબ, ‘પુતિન પાગલ’ થયા હોવાની ટિપ્પણ કરી હતી.
ટ્રમ્પની આ ટિપ્પણીનો જવાબ આપતાં પુતિને યુક્રેન પર સૌથી મોટો ડ્રોન હુમલો કરાવ્યો છે. યુક્રેન એરફોર્સના જણાવ્યા મુજબ, રવિવારે રાત્રે રશિયાએ ૩૫૫ ડ્રોન હુમલા કર્યા હતા.
શનિવારે રશિયાએ ૨૯૮ ડ્રોન અને ૬૯ મિસાઈલ હુમલા કર્યા હતા. શુક્રવારથી રવિવાર સુધીમાં રશિયાએ યુક્રેન પર ૯૦૦ ડ્રોન હુમલા કર્યા છે. ટ્રમ્પે બે દેશો વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલી લડાઈને પૂરી કરવાના પ્રયાસ આદર્યા છે ત્યારે તેના પર ઠંડુ પાણી ફેરવતા રશિયન પ્રમુખ પુતિને યુક્રેનના વિસ્તારો પર કબજો જમાવવા વધુ આક્રમક હુમલા શરૂ કર્યા છે.
અગાઉ માર્ચ મહિનામાં અમેરિકાએ રશિયા-યુક્રેન વચ્ચે ૩૦ દિવસ શસ્ત્ર વિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુક્રેને આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો, પરંતુ રશિયાએ તેને નકારી દેતાં હવાઈ હુમલા વધાર્યા હતા.
રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર જણાવ્યુ હતું કે, આ પ્રકારના હુમલા પાછળ કોઈ તાર્કિક કારણ જણાતું નથી. માત્ર રાજકીય હેતુથી હુમલા થઈ રહ્યા છે.
રશિયા પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો લાગુ થવા જોઈએ, જેથી યુદ્ધનો અંત આવે. યુરોપિયન સંઘના દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદવાની તત્પરતા દાખવી હતી.SS1MS