ખાલિસ્તાની આતંકી અર્શ દલ્લાનો સાગરીત અમદાવાદમાંથી ઝડપાયો

અમદાવાદ, ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લાના ખાસ સાગરીત લવિશ કુમારને પંજાબ પોલીસે અમદાવાદમાંથી ઝડપી લીધો છે. લવિશ કુમાર ઘણા સમયથી અમદાવાદમાં રહેતો હતો અને અર્શ દલ્લા તથા તેના સાથીદાર જીદી મહેંદીપુરિયા માટે કામ કરતો હતો. લવિશ કુમારની ધરપકડને પગલે ખાલિસ્તાનનું અમદાવાદ કનેક્શન સામે આવે તેવી પ્રબળ સંભાવના છે.
પંજાબ ડીજીપી ગૌરવ યાદવે લવિશ કુમારને ઝડપી લેવામાં અસાધારણ મદદ કરનાર ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ પોલીસનો પણ આભાર માન્યો હતો.કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદિપસિંઘ નિજ્જરની ગોળી મારી હત્યા થઇ હતી.
ત્યાર બાદ કેનેડામાં ખલિસ્તાની મૂવમેન્ટનું સુકાન સંભાળી લેનાર અર્શ દલ્લાનો ખાસ સાગરિત અમદાવાદથી ઝડપાયો છે. સામાન્ય ટપોરીમાથી પંજાબનો ગેંગસ્ટર અને કેનેડા જઇને ખાલિસ્તાની આતંકવાદી બનેલા અર્શ દલ્લા માટે અમદાવાદથી ઝડપાયેલો લવિશ કુમાર કામ કરતો હતો. થોડા સમય પહેલાં જ કેનેડામાં અર્શ દલ્લાની અટક કરીને તેની પૂછપરછ કરવામાં આવી હતી.
બીજી તરફ, પંજાબ પોલીસે પણ અર્શ દલ્લા અને તેની સાથે સંકળાયેલા લોકોની તપાસ શરૂ કરી હતી. પોલીસને વિગતો મળી હતી કે થોડા સમય પહેલાં ઠાર મરાયેલા આતંકવાદી તેજા મહેંદીપુરિયાના ભાઇ જીદી મહેંદીપુરિયા અને અર્શ દલ્લા માટે લવિશ કુમાર કામ કરતો હતો. તેની સામે હત્યા, અપહરણ અને હત્યાના પ્રયાસ સહિતના ઘણા ગુના નોંધાયા હતા. મોટા લિકર સપ્લાયર પાસેથી પણ તેણે મોટી ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
લવિશ કુમાર અમદાવાદમાં છુપાયો હોવાની વિગતો મળતાં પંજાબ પોલીસ એક્ટિવ બની હતી. તેનું લોકેશન મેળવી લીધા બાદ ગુજરાત પોલીસ વડાની મદદથી લવિશકુમારને ઝડપી લેવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદ પોલીસની મદદથી તેને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ લવિશ કુમારના તાર કોની કોનીસાથે જોડાયેલા છે તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત તેના ઇન્ટરનેશનલ કનેક્શનની વિગતો પણ સામે આવશે.SS1MS