ગુજરાતના સફળ રણજી ક્રિકેટર, કેપ્ટન પ્રિયાંક પંચાલની નિવૃત્તિ

અમદાવાદ, પાર્થિવ પટેલ બાદ ગુજરાતના રણજી ટ્રોફી ઇતિહાસના સૌથી સફળ અને અનુભવી ક્રિકેટર તથા ઓપનર પ્રિયાંક પંચાલે સોમવારે તમામ પ્રકારના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.
આ સાથે ગુજરાતના ક્રિકેટના એક સફળ ક્રિકેટરની કારકિર્દીનો અંત આવી ગયો હતો.પ્રિયાંક પંચાલ છેલ્લા ૧૭ વર્ષથી ગુજરાત માટે રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે ભારતીય-એ ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું અને દુલીપ ટ્રોફીમાં પણ તે કેપ્ટન રહી ચૂક્યો હતો જે દરમિયાન તેણે પોતાની ટીમને દુલીપ ટ્રોફી ટાઇટલ પણ અપાવ્યું હતું.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશને સોમવારે પ્રિયાંક પંચાલની નિવૃત્તિની જાહેરાત કરતાં તેને સફળ કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા. યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રિયાંકે ભારત-એ ટીમના સુકાની તરીકે ફરજ બજાવી હતી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે ૧૭ વર્ષ સુધી ગુજરાતની ટીમ વતી રણજી ટ્રોફી, વિજય હઝારે (વન-ડે ટ્રોફી) અને સૈયદ મુસ્તાક અલી (ટી૨૦) ટ્રોફીમાં રમ્યો હતો.
૨૦૦૮-૦૯ની સિઝનમાં ગુજરાત માટે રણજી કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ પ્રિયાંક પંચાલ ૧૨૭ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો જેમાં ૯૯ રણજી મેચનો સમાવેશ થતો હતો. આ દરમિયાન તેણે ૮૮૫૬ રન અને ૨૯ સદી તથા ૩૪ અડધી સદી ફટકારી હતી.
કારકિર્દીમાં તેણે એક ત્રેવડી સદી ફટકારી હતી. ડિસેમ્બર ૨૦૧૬માં તેણે પંજાબ સામે બેલાવી ખાતેની મેચમાં અણનમ ૩૧૪ રન ફટકાર્યા હતા અને એ જ સિઝનમાં તેણે રણજી ટ્રોફીમાં ૧૩૧૦ રન નોંધાવ્યા હતા.
૨૦૧૬-૧૭માં પાર્થિવ પટેલની આગેવાનીમાં ગુજરાતે પહેલી વાર રણજી ટાઇટલ જીત્યું તેમાં પ્રિયાંકનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું.પ્રિયાંક પંચાલે તેની ૨૯ સદીમાંથી એક ત્રેવડી સદી અને ત્રણ બેવડી સદી ફટકારી હતી.
તેણે ઇન્ડિયા-એ માટે રમતાં બે અને ઇન્ડિયા રેડ (દુલીપ ટ્રોફી)માં પણ બે સદી ફટકારી હતી. તેણે લિસ્ટ-એ (વન-ડે) કારકિર્દીમાં ૯૬ મેચમાં આઠ સદી સાથે ૩૬૭૨ રન અને ટી૨૦માં ૫૯ મેચમાં ૧૫૨૨ રન ફટકાર્યા હતા.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રિયાંકે ૨૯ મેચમાં સુકાનીપદ સંભાળ્યું હતું જેમાંથી દસ મેચમાં તેની ટીમનો વિજય થયો હતો તો પાંચ મેચમાં પરાજય થયો હતો.
તેણે ૧૭ મેચમાં ગુજરાતની રણજી ટીમની આગેવાની લીધી હતી. આ ઉપરાંત તે ગુજરાતનો બીજા ક્રમનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. ગુજરાત માટે સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનમાં પાર્થિવ પટેલ (૬૯૬૮) બાદ પ્રિયાંક પંચાલ (૬૮૮૯ રન)નો ક્રમ આવતો હતો.SS1MS