રથયાત્રા પૂર્વે ૨૪ અસામાજિક તત્ત્વોને પાસા, ૧૦ તડીપાર

AI Image
(એજન્સી)અમદાવાદ, રથયાત્રા પર્વ નજીક છે ત્યારે પોલીસ અધિકારીઓ એલર્ટ થઇ ગયા છે. ખુદ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. રથયાત્રામાં કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે અસામાજિક તત્ત્વો અને ગુનેગારોને પાઠ ભણાવવા કમિશનરે એક જ દિવસમાં ૨૪ ગુનેગારોને પાસા કરીને રાજ્યની જુદી જુદી જેલોમાં રવાના કરી દીધા છે.
જ્યારે ૧૦ માથાભારે તત્ત્વોને તડીપાર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે હવે પોલીસની આબરૂ પર ડાઘ લગાવતા ગુનાઇત માનસિકતા ધરાવતા પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવાની કવાયત ચાલી રહી છે. ચાંદખેડા, અમરાઇવાડી, સાબરમતી, કાગડાપીઠ, ઇસનપુર વટવા, વટવા જીઆઇડીસી, શહેરકોટડા, એરપોર્ટ, નારોલ, કાલુપુર અને સરદારનગરમાં પોલીસની ધાક ન હોવાથી ગુનેગારો બેફામ બન્યા છે. આ વિસ્તારના માથાભારે તત્ત્વો સામે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે.
રથયાત્રા ટાણે અમદાવાદમાં પોલીસ અધિકારીઓ વચ્ચની તકરાર ચર્ચાનો વિષય બની રહી છે ત્યારે જ ગુનેગારો બેફામ બન્યા છે. છેલ્લા દિવસોમાં ફરીથી ગુનેગારો જાહેરમાં હુમલા કરતા હોવાના ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે ત્યારે પોલીસ કમિશનરે આવા તત્ત્વોને ડામી દેવા તેમની સામે કાયદાનો દંડ ઉગામ્યો છે.